અમદાવાદ / સાંસ્કૃતિક મહાઉત્સવ:
અમદાવાદના ઓગણજ ખાતે ‘લલકાર ન્યૂઝ’ દ્વારા પરંપરાગત અને આધુનિક સંસ્કૃતિના સુભગ સમન્વય સમા નવરાત્રિ મહોત્સવ ‘ગરબો’નું અત્યંત ભવ્ય, શાનદાર અને સફળ આયોજન સંપન્ન થયું છે. માં અંબાની ભક્તિ-આરાધના અને અપ્રતિમ ઉત્સાહભર્યા દિવ્ય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ ગરિમાપૂર્ણ ઉત્સવમાં રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા નામાંકિત રાજકીય મહાનુભાવો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સિનેમા અને સંગીત જગતના જાણીતા કલાકારોએ ખાસ ઉપસ્થિતિ નોંધીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

ગણમાન્ય મહાનુભાવોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ:
રાજકીય અગ્રણીઓ: પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા, ધારાસભ્ય (ભાજપ) શ્રી સી.જે. ચાવડા, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા શ્રી મનીષ દોશી, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશ પટેલ, ભાજપ નેતા શ્રી અમરશી ખાંભલિયા, ભાજપ નેતા શ્રી દિનેશ શર્મા, ભાજપ મહિલા નેતા ડો. શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસ પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, ભાજપ પ્રભારી શ્રી હાર્દિકસિંહ ડોડિયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ભાજપ નેતા શ્રી જયરાજ આહિર, ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી રાકેશ પાઠક, કોર્પોરેટર શ્રી નયન બ્રહ્મભટ્ટ તેમજ કર્ણાવતી શહેર ઉપપ્રમુખ શ્રી ભાસ્કર ભટ્ટ સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સેક્ટર-૧ જેસીપી શ્રી નીરજ બડગુજર, ઝોન-૧ ડીસીપી શ્રી હર્ષદ પટેલ તેમજ એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી પ્રવીણ માલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કલા અને મીડિયા જગતના સિતારાઓ: ગુજરાતી સિનેમાના લોકપ્રિય કલાકાર શ્રી હિતુ કનોડિયા, શ્રીમતી મોના થીબા, શ્રી મકરંદ શુક્લ તેમજ જાણીતા ગાયિકા ફરીદા મીર અને ગાયક દેવ પગલીએ પોતાની ઉપસ્થિતિથી ઉત્સવમાં ઉત્સાહ ભર્યો હતો. આ સિવાય પત્રકારત્વ અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે ‘જમાવટ ન્યૂઝ’ તરફથી દેવાંશી જોષી તેમજ ‘ન્યૂઝ રૂમ’ તરફથી દિક્ષીત ઠકરાર અને કિસન કંતેલિયાએ ઉપસ્થિત રહી ઉત્સવને નિહાળ્યો હતો.


ઉષ્માસભર સ્વાગત અને સુરક્ષા વ્યવસ્થા:
કાર્યક્રમમાં પધારેલા તમામ આમંત્રિત મહેમાનોનું ‘લલકાર ન્યૂઝ’ પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાણીતા કલાકારોના સુરીલા કંઠે ગવાયેલા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની રમઝટ સાથે ખેલૈયાઓ મોડી રાત સુધી ઝૂમી ઊઠ્યા હતા. આયોજન દરમિયાન ખેલૈયાઓ અને મહેમાનો માટે ચુસ્ત સુરક્ષા, વિશાળ પાર્કિંગ તેમજ સુચારુ વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું હતું.

‘લલકાર ન્યૂઝ’ પરિવાર દ્વારા આભાર દર્શન:
કાર્યક્રમના સફળ સમાપન પ્રસંગે ‘લલકાર ન્યૂઝ’ પરિવાર વતી શ્રી નરેન્દ્રસિંહ જાદવ, શ્રી રીતેશ શાહ અને શ્રી જિતુ બાંધણિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, કલાકારો, ખેલૈયાઓ, સહયોગીઓ તેમજ પોલીસ પ્રશાસનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આપ સૌના નિઃસ્વાર્થ સહકાર, સ્નેહ અને પ્રોત્સાહનને કારણે જ ‘ગરબો’ મહોત્સવ આટલી ઐતિહાસિક અને ભવ્ય સફળતા પ્રાપ્ત કરી શક્યો છે. ભવિષ્યમાં પણ ગુજરાતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આવા આયોજનો થકી અમે લોકસંપર્ક જાળવી રાખીશું.”

