દ્વારકા: દ્વારકા જિલ્લામાં GSPL (ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ) કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીની કથિત દાદાગીરી અને અન્યાયી નીતિઓ સામે ખેડૂતોએ હવે પોતાના ખેતરોમાં વિરોધ દર્શાવતા બેનરો લગાવીને એક નવતર આંદોલન શરૂ કર્યું છે.
ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, વળતરની રકમ નક્કી કર્યા વિના અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ કંપની કામગીરી ચાલુ કરવા માટે દબાણ કરી રહી છે. આ અંગે ખેડૂતો અગાઉ જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
ખેડૂતોના મુખ્ય સવાલો અને માંગણીઓ:
-
પહેલા આખરી વળતર આપો: જમીન, પાક અને માલ-મિલકતનું સંયુક્ત સર્વે હાથ ધરીને યોગ્ય આખરી વળતર (એવોર્ડ) જાહેર કરવામાં આવે, ત્યાર બાદ જ પાઇપલાઇનનું કામ શરૂ કરવા દેવામાં આવશે.
-
જમીનના ભાવ ઘટવાની ભીતિ: ખેતરમાંથી ગેસ પાઇપલાઇન પસાર થવાથી જમીનની કિંમત અડધી થઈ જાય છે. આ ભાવઘટાડાનું નુકસાન કોણ ભરપાઈ કરશે?
-
કાયદાકીય અનિયમિતતાનો આરોપ: ગેસ-પાણી પાઇપલાઇન કાયદો ૨૦૦૦ મુજબ જાહેર કરાયેલા ૩(૧) અને ૬(૧) ના જાહેરનામા જ ભૂલ ભરેલા છે. તેમાં ઘણા ખેડૂતોના સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી. જો જાહેરનામા જ ખામીયુક્ત હોય, તો કામગીરી કેવી રીતે થઈ શકે?
-
ખનીજ અને લીઝનો મુદ્દો: ખેતરોમાં બોક્સાઇટ જેવી કિંમતી ખનીજ સંપત્તિ આવેલી છે. પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં ખનીજ લીઝ મેળવવામાં અડચણ ઊભી થશે, તેનો ખુલાસો કંપની દ્વારા કરવામાં આવે.
આ પણ જૂઓઃ https://youtu.be/tG1h_1mzyxI?si=FV0XPReHefPcmEOD
-
જનપ્રતિનિધિઓને અપીલ: લોકશાહીમાં પ્રજાના અધિકારોનું રક્ષણ કરવા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદે પોતાની નૈતિક ફરજ નિભાવવી જોઈએ.
ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે PMP એક્ટ ૧૯૬૨, ગેસ-પાણી પાઇપલાઇન કાયદો ૨૦૦૦ અને જમીન સંપાદન કાયદો ૨૦૧૩ અનુસાર વળતર મેળવવો એ તેમનો કાયદાકીય અધિકાર છે. જ્યાં સુધી GSPL કંપની કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીને ખેડૂતોને તેમના અધિકારની માહિતી નહીં આપે, ત્યાં સુધી ખેતરોમાં કામગીરી કરવા દેવામાં આવશે નહીં.