ગુજરાતમાં પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા લાખો ઉમેદવારો માટે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ મેગા ભરતી અંતર્ગત લોકરક્ષક કેડર (LRD) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની મળીને કુલ 12,977 જેટલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
જાહેર કરવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, લોકરક્ષક કેડર (LRD) માં કુલ 12,752 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની 8,233 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1,132 જગ્યાઓ અને SRPF કોન્સ્ટેબલની 3,107 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અધિકારી કક્ષાની જગ્યાઓ માટે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની કુલ 225 જગ્યાઓ પર પણ ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ મોટી ભરતીની જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.
