રાષ્ટ્રની પ્રગતિ અને સંસ્કૃતિનો પાયો તેની નારીશક્તિ પર રહેલો છે અને જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની હોય ત્યારે લેવાયેલું એક સચોટ પગલું આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે આવો જ એક અભૂતપૂર્વ ઇતિહાસ રચીને સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક મહાયજ્ઞની જેમ ઉપાડ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14 વર્ષની વયમર્યાદા ધરાવતી અંદાજે 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આ HPV રસીકરણ અભિયાન તારીખ 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ HPV રસીના ડોઝ આપીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. ગુજરાતની આ અગ્રેસર કામગીરી અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગને ખાસ અભિનંદન પાઠવીને કામગીરીને બિરદાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં મે મહિનામાં જ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજ્ય સરકારની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે ગત 7 સપ્ટેમ્બરે ગુજરાત માટે વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા ‘સેવા પર્વ’ હેઠળ તારીખ 17થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રસીકરણ ઝુંબેશનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિને માત્ર એક જ દિવસમાં 71,000થી વધુ દીકરીઓનું સફળ રસીકરણ કરીને એક નવો વિક્રમ નોંધાયો હતો, જ્યારે 10 દિવસના ‘સેવા પર્વ’ દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ફિલ્ડ સ્તરથી લઈને રાજ્ય કક્ષા સુધીના તબીબો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર્સ અને તમામ આરોગ્ય કર્મચારીઓની અથાગ મહેનતને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
