૧. અનાર પટેલ (સામાજિક અગ્રણી)
સમાજમાં એવી આદતો પડી રહી છે જે પહેલાં નહોતી, તેથી સમાજ સાથે બેસીને ઉદ્ધારની વાત કરવી જરૂરી છે. પાટીદાર આંદોલનથી સમાજને ઘણું મળ્યું, પરંતુ આનંદીબેન પટેલ જેવા મજબૂત મુખ્યમંત્રી ગુમાવ્યાનું દુઃખ છે. ભવિષ્યમાં ફરી આવું નુકસાન ન થાય તેની સમાજે તકેદારી રાખવી જોઈએ.

૨. દિનેશ બાંભણિયા (પાટીદાર અગ્રણી)
જસદણના પાટીદાર સંમેલનમાં જાહેર મંચ પરથી દિનેશ બાંભણિયાએ આનંદીબેન પટેલની માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું કે આંદોલનના કારણે આનંદીબેનને મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું તેનો અમને રંજ છે. આનંદીબેન જેવા સક્ષમ નેતાને હટાવવા બદલ તેમણે જાહેરમાં દુઃખ વ્યક્ત કર્યું હતું.

૩. લાલજી પટેલ (અધ્યક્ષ, SPG)
લાલજી પટેલે માફીના નિવેદન સાથે અસહમતિ દર્શાવતા કહ્યું કે, હું ૧૧ વર્ષ પહેલાં પણ કહેતો હતો કે ભાજપની નીતિઓનો વિરોધ કરો, પાટીદાર નેતાઓનો નહીં. આનંદીબેન મજબૂત વહીવટકર્તા હતા અને અધિકારીઓ પર તેમની પકડ હતી. અત્યારના મુખ્યમંત્રી સારા છે, પરંતુ અધિકારીઓ પર બેન જેવી પકડ કોઈ રાખી શકતું નથી.

૪. કેતન પટેલ (સભ્ય, PAAS)
કેતન પટેલે સ્પષ્ટ કર્યું કે આંદોલન ક્યારેય આનંદીબેનને હટાવવા કે કોઈ રાજકીય એજન્ડા માટે નહોતું. ભાજપ હાઈકમાન્ડે આંદોલનનો દુરુપયોગ કરીને આનંદીબેનને હટાવ્યા અને તેનો દોષ આંદોલનકારીઓ પર નાખ્યો. જો કોઈને આજે રંજ થતો હોય તો તે તેમનું વ્યક્તિગત મંતવ્ય છે, આંદોલનકારીઓનો આવો કોઈ ઈરાદો નહોતો.

૫. હાર્દિક પટેલ (ધારાસભ્ય)
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે, આંદોલનને ૧૨ વર્ષ થયા છે અને તેમાં યુવાનોએ બલિદાન આપ્યું છે. આ આંદોલન કોઈને નુકસાન પહોંચાડવા કે કોઈ નેતાને હટાવવા માટે નહીં, પરંતુ સમાજના હિત માટે હતું. દિનેશ બાંભણિયાનું નિવેદન તેમનું વ્યક્તિગત છે, અમારા મનમાં કોઈ રંજ નથી.

૬. પૂર્વીન પટેલ (પાટીદાર નેતા)
પૂર્વીન પટેલે દિનેશ બાંભણિયાના નિવેદનને સાચું ગણાવતા કહ્યું કે, આનંદીબેનની વહીવટ પર મજબૂત પકડ હતી અને તેમણે જનતાને ટોલમાંથી મુક્તિ આપી હતી. બેનના ગયા બાદ ગુજરાત આજે ખાલીપો અનુભવે છે. અનારબેનની વાત સ્વાભાવિક છે અને અમને યુવાનોને તે સમયે રાજકીય હાથો બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે.

૭. વરુણ પટેલ (પાટીદાર નેતા)
વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યો કે આંદોલનના નામે આનંદીબેન પટેલને હટાવવાનું ષડયંત્ર કોણે રચ્યું હતું? તેમણે પાટીદાર સમાજ પર થયેલા દમનની તપાસ કરનાર ‘પુંજ કમિશન’નો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી, જેથી આનંદીબેનને હટાવવા પાછળની સમગ્ર હકીકત બહાર આવી શકે.

૮. દિલીપ સાબવા (પાટીદાર અગ્રણી)
દિલીપ સાબવાએ દિનેશ બાંભણિયા પર નિશાન તાકતા કહ્યું કે, આજે જે લોકો માફી માંગવાના નિવેદનો આપી રહ્યા છે, તેમણે જ એ સમયે આંદોલનમાંથી ચાલતી પકડી હતી. આનંદીબેનને જ્યારે મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા, તે સમયે આ લોકો ક્યાં હતા?

૯. અલ્પેશ કથીરિયા (પાટીદાર અગ્રણી)
અલ્પેશ કથીરિયાએ દિનેશ બાંભણિયાના નિવેદન સાથે સહમતી દર્શાવતા કહ્યું કે, રાજકીય જૂથબંધી કે અન્ય કારણોસર આનંદીબેનને હટાવાયા હતા. તેઓ વડીલ છે, તેથી માફી માંગવા જેવું કંઈ નથી. ૨૦૨૭માં મુખ્યમંત્રી કોણ બનશે તે તે સમયની સ્થિતિ અને પક્ષનું હાઈકમાન્ડ નક્કી કરશે.

૧૦. ચિરાગ પટેલ (પાટીદાર અગ્રણી)
પાટીદાર આંદોલનના ૧૧ વર્ષ બાદ ચિરાગ પટેલે GMDC લાઠીચાર્જ અને ૧૪ યુવાનોના મોતનો મુદ્દો ફરી ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે આ ઘટના માટે જવાબદાર ‘જનરલ ડાયર’ને શોધીને કડક સજા આપવાની માગ કરી છે, જેનાથી આંદોલન સમયના દમન અંગે ફરી ચર્ચા જાગી છે.

૧૧. વરુણ પટેલ (પાટીદાર નેતા)
વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યો કે આંદોલનના નામે આનંદીબેન પટેલને હટાવવાનું ષડયંત્ર કોણે રચ્યું હતું? તેમણે પાટીદાર સમાજ પર થયેલા દમનની તપાસ કરનાર ‘પુંજ કમિશન’નો રિપોર્ટ જાહેર કરવાની માગ કરી, જેથી સમગ્ર હકીકત સામે આવી શકે.

