રાજકોટ:
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ધનતેરસ નિમિત્તે યોજાયેલા આતશબાજી કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. આતશબાજી નિહાળવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતાં પ્રવેશ મેળવવા ભારે ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રદ્યુમનનગર પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયેલો હતો, તે દરમિયાન પોલીસ અધિકારી અને નાગરિક વચ્ચે થયેલી ઉગ્ર માથાકૂટનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.
ભીડ બેકાબૂ બનતાં ઘર્ષણ થયું
ધનતેરસની રાત્રે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ગેટ પાસે અફરાતફરી સર્જાઈ હતી. વ્યવસ્થા જાળવવા હાજર રહેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. મકવાણા અને પ્રવેશ મેળવવા ઊભેલા નાગરિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
બોચી પકડી ધમકાવ્યાનો આક્ષેપ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પીઆઈ એમ. ડી. મકવાણા ઉશ્કેરાઈને એક યુવક સાથે ઝપાઝપી કરી રહ્યા છે. આ યુવક શહેરના એડવોકેટનો પુત્ર અર્પિત જોબનપુત્રા હોવાનું સામે આવ્યું છે. આરોપ મુજબ, પીઆઈએ અર્પિતની બોચી પકડી જાહેરમાં ધમકાવ્યો હતો અને ગાળાગાળી કરી રુઆબ છાંટ્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
જાહેરમાં પોલીસ અધિકારી દ્વારા નાગરિક સાથે કરવામાં આવેલા આ અણછાજતા વર્તનનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસના આવા વલણ સામે નાગરિકો અને વકીલ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે.
