અમદાવાદ:
શહેરમાં રિયલ એસ્ટેટ અને જમીન-મકાનના મોટા સોદાઓની આડમાં વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતી ઠગ ગેંગ સક્રિય બની છે. અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સહિતની એક ચોક્કસ ગેંગ સામે ૩ અલગ-અલગ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાની ગંભીર ફરિયાદો નોંધાઈ છે. આ ગેંગે બિલ્ડિંગ મટીરિયલ પડાવી લેવાથી લઈને બેંકમાં ગીરો પડેલી જમીન વેચી દેવા સુધીના મોટા કૌભાંડો આચર્યા હોવાનું સામે આવ્યું છે.
કેસ ૧: બિલ્ડિંગ મટીરિયલ અને ફ્લેટના નામે લાખોની છેતરપિંડી
નવરંગપુરાના સેતુ એવંતી કોમ્પ્લેક્ષમાં આવેલી ‘આરિવ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ’ના સંચાલક હેમલ યોગેશકુમાર શાહ સાથે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપી ભરતકુમાર પ્રાણલાલ પોપટ અને તેના પુત્ર જીલ પોપટે વેપારી પાસેથી અંદાજે ₹૩૭ લાખથી વધુનું બિલ્ડિંગ મટીરિયલ મેળવી લીધું હતું. આ ઉપરાંત, શાહીબાગની ‘સંકલ્પ ઇટરનિટી’ અને નિકોલની ‘શિવાંતા’ સ્કીમમાં ફ્લેટ તથા દુકાનો આપવાની લાલચ આપી રોકડા ₹૨૫ લાખ અને કોરા ચેક મેળવી લીધા હતા. લાંબો સમય વીતવા છતાં ન તો કોઈ દસ્તાવેજ કરાયો કે ન તો નાણાં પરત ચૂકવાયા.
કેસ ૨: સાણંદના મણીપુરમાં પ્લોટના સોદામાં ₹૨.૩૪ કરોડની ઠગાઈ
સી.જી. રોડ પર વેપાર કરતા સંજય જયંતિલાલ મહેતા સાથે સાણંદ તાલુકાના મણીપુર ગામ ખાતે આવેલી ‘સુરધારા રેસિડેન્શિયલ પ્લોટ્સ’ના પ્લોટ નં. ૩૭ અને ૩૮ના વેચાણ અંગે સોદો કરાયો હતો. આ સોદામાં ભરતકુમાર પોપટ, હર્ષાબેન પોપટ અને વિલેશ પ્રફુલચંદ્ર શેઠ સામેલ હતા. આરોપીઓએ વિશ્વાસ કેળવવા શરૂઆતમાં ₹૧.૨૫ કરોડ એડવાન્સ આપ્યા અને બાકી રકમ સામે ૮ મહિનામાં બિલ્ડિંગ મટીરિયલ આપવાનો વાયદો કર્યો હતો. જોકે, થોડું મટીરિયલ આપ્યા બાદ સપ્લાય બંધ કરી દેવાયો હતો. એટલું જ નહીં, સિક્યોરિટી પેટે આપેલા ચેકો બેંકમાં વટાવવા ન દેવા અગાઉથી ‘સ્ટોપ પેમેન્ટ’ કરાવી દઈ કુલ ₹૨,૩૪,૦૦,૦૦૦ ની રકમ પચાવી પાડી હતી.
કેસ ૩: મોર્ગેજ જમીન વેચી ₹૨.૫૦ કરોડ પડાવ્યા
ત્રીજા કેસમાં ફરિયાદી પાર્થ કમલેશભાઈ દોશીને અસારવા તાલુકાના મુઠીયા ગામની સીમમાં આવેલી ઔદ્યોગિક બિનખેતી (N.A.) જમીન ₹૧૮ કરોડમાં વેચાવવાની લાલચ અપાઈ હતી. ભરતકુમાર પોપટ, પાર્થ બારોટ, જીલ પોપટ અને પરાગે આ જમીન ‘આદિત્ય બિરલા ગ્રૂપ’માં અગાઉથી જ મોર્ગેજ હોવાની વાત છુપાવી રાખી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી ઓનલાઇન, આંગડિયા અને રોકડ મારફતે કુલ ₹૨,૫૦,૦૦,૦૦૦ (અઢી કરોડ) મેળવી લીધા હતા. બાદમાં જમીન ગીરો હોવાનો ભાંડો ફૂટતાં માત્ર ખોટા વાયદા કરી છેતરપિંડી આચરી હતી.
નવરંગપુરા પોલીસે આ ત્રણેય બનાવોમાં ગુના નોંધી તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા નાગરિકો અને રોકાણકારોને કોઈ પણ મોટી પ્રોપર્ટી કે જમીનની ખરીદી કરતાં પહેલાં ટાઇટલ ક્લિયરન્સ અને બેંક મોર્ગેજ સ્ટેટસની ઝીણવટભરી ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.
