ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાને કારણે દાઝવાના તેમજ માર્ગ અકસ્માતના બનાવોમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. આવા કટોકટીના સમયે લોકો માટે ‘108’ ની ઇમરજન્સી સેવા સંજીવની સાબિત થતી હોય છે. આ વર્ષે પણ તહેવારો દરમિયાન નાગરિકોને ત્વરિત તબીબી સહાય મળી રહે તે માટે 108 ની ટીમે એક ખાસ અને સઘન એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
૨૦ ટકા કેસ વધવાની સંભાવના અને ખાસ તૈયારી:
આંકડાકીય વિશ્લેષણ મુજબ, તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં આશરે ૨૦ ટકા જેટલો વધારો નોંધાતો હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કુલ ૧,૫૦૦ એમ્બ્યુલન્સ અને આશરે ૬,૦૦૦ જેટલો મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે.
રાઉન્ડ-ધ-ક્લોક સેવા:
તહેવારોના પર્વ પર કોઈપણ નાગરિકને કટોકટીની સ્થિતિમાં રાહત આપવા માટે 108 ની સમગ્ર ટીમ 24 કલાક સ્ટેન્ડ-બાય રહેશે, જેથી સમયસર સારવાર મળી શકે.
