રાજકોટ / સિટી બ્રેકિંગ:
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને બજારમાં શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC)નો ફૂડ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. તહેવારોની ભીડ વચ્ચે મનપાની ટીમ દ્વારા શહેરભરમાં ખાસ મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.
૪૭ પેઢીઓમાં તપાસ અને નમૂના જપ્ત:
આ ડ્રાઈવ દરમિયાન મીઠાઈ, મુખવાસ, ફરસાણ અને ડ્રાયફ્રૂટનું વેચાણ કરતી કુલ ૪૭ જેટલી પેઢીઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાંથી તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી અથવા વેચાતી આશરે ૧૮ કિલો જેટલી અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગુણવત્તા ચકાસવા માટે ૧૪ જેટલા ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
નોટિસ અને દંડની કાર્યવાહી:
હાઈજીન (સ્વચ્છતા)ના નિયમોનો ભંગ કરવા તથા લાયસન્સ બાબતે બેદરકારી દાખવવા બદલ ૭ પેઢીઓને કસૂરવાર ગણીને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી કુલ રૂ. ૨૭,૫૦૦ નો વહીવટી ચાર્જ (દંડ) પણ વસૂલ કરવામાં આવ્યો છે. મનપાની આ સઘન કાર્યવાહીથી ભેળસેળિયાઓ અને લેભાગુ વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
