ગાંધીનગર / રાજકીય બ્રેકિંગ:
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજ્યભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે ગાંધીનગરમાં એક વિશાળ ‘આદિવાસી ન્યાય મહાસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘આપ’ના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ પ્રેસનોટ જારી કરીને જણાવ્યું છે કે, આવતીકાલે ૪ નવેમ્બર, બુધવારે બપોરે ૨:૦૦ વાગ્યે ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય જનસભા યોજાશે.
ન્યાય યાત્રાને ગામેગામ અપાર સમર્થન:
શકુંતલાબેન અને વર્ષાબેનના નેતૃત્વ હેઠળ નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ને ગામેગામથી ભવ્ય જનસમર્થન સાંપડ્યું છે, જે આજે અંબાજી ખાતે સંપન્ન થઈ રહી છે. યાત્રાના સમાપન બાદ સરકાર સામે આંદોલનને વધુ વેગ આપવા માટે ગાંધીનગરમાં આ મહાસભા બોલાવવામાં આવી છે.
ભાજપ પર ગંભીર આક્ષેપો:
નિરંજન વસાવાએ આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવા જળ, જંગલ, જમીન અને શિક્ષણ જેવા લોકહિતના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા હોવાથી ભાજપ સરકારે ષડયંત્ર રચીને તેમને ખોટા કેસોમાં ફસાવ્યા છે. આ તાનાશાહી સામે લડવા માટે યુવાનો, વડીલો અને માતા-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
