અમદાવાદ / સિટી બ્રેકિંગ:
દીવાળીના તહેવારોમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોપરી રાખીને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં ફટાકડાના વેચાણ કરતા એકમો સામે આકસ્મિક ચેકિંગનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને એસજી હાઇવે અને સિંધુભવન રોડ વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કરવામાં આવી રહી છે.
અંબિકા ફટાકડામાં કાપડનો મંડપ હટાવાયો:
ચેકિંગ દરમિયાન રાજપત ક્લબ પાસે આવેલા જાણીતા ‘અંબિકા ફટાકડા’ના સ્ટોલ પર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. તપાસ દરમિયાન ત્યાં કાપડનો મંડપ જોવા મળ્યો હતો, જેને જોખમી ગણાવીને ફાયર વિભાગે તરત જ તે હટાવી લેવાની એડવાઈઝરી આપી હતી. દુકાનના માલિક દ્વારા પણ નિયમોનું પાલન કરતા તાત્કાલિક કાપડનો મંડપ હટાવી લેવાની બાંહેધરી આપવામાં આવી છે.
નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ:
ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દરેક ફટાકડા વિક્રેતાએ ઇમરજન્સી એક્ઝિટ, વોટર બેઝ અને પાવડર મોડ્યુલર સ્પ્રિંકલર જેવી પ્રાથમિક સુવિધાઓ રાખવી અનિવાર્ય છે. દુકાનોમાં કપડા કે લાકડાનો ઉપયોગ ન્યૂનતમ રાખવા અને પોલીસ તથા ફાયરની SOP (Standard Operating Procedure)નું પાલન કરવા તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે.
