નેશનલ / ઓટોમોબાઈલ બ્રેકિંગ:
જો તમારા ઘર કે ઓફિસ આવવા-જવાના રસ્તામાં રોજ ટોલ પ્લાઝા આવે છે, તો તમારા માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧ નવેમ્બરથી ટોલ ટેક્સને લઈને એક નવો અને મહત્વપૂર્ણ નિયમ અમલમાં આવી રહ્યો છે, જેનાથી રોજ-રોજ ટોલ ભરવાની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળી જશે.
૨૦ કિલોમીટરના દાયરામાં રહેતા લોકોને રાહત:
નવા નિયમ અનુસાર, ટોલ પ્લાઝાના ૨૦ કિલોમીટરના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો હવે પોતાના ખાનગી વાહનો માટે વાર્ષિક લોકલ ટોલ પાસ કઢાવી શકશે. આ સુવિધાનો લાભ માત્ર માન્ય અને કાર્યરત FASTag ધરાવતા વાહનમાલિકોને જ મળશે. ફીની વાત કરીએ તો, નગરની હદ બહારના ટોલ પ્લાઝા માટે વાર્ષિક ફી ₹૧,૫૦૦ અને નગરની હદમાં આવેલા ટોલ પ્લાઝા માટે ₹૩,૦૦૦ નક્કી કરવામાં આવી છે.
અમર્યાદિત અવરજવર અને સમયની બચત:
આ વાર્ષિક પાસની મદદથી વાહનચાલકો સંબંધિત એક જ ટોલ પ્લાઝા પર આખું વર્ષ અમર્યાદિત અવરજવર કરી શકશે. સ્થાનિક વાહનચાલકો આ પાસ માટે ‘રાજમાર્ગયાત્રા પોર્ટલ’ પર વિગતો ચકાસી શકે છે, જેનાથી તેમના સમય અને નાણાં બંનેની ભારે બચત થશે.
