મહેસાણા / સાયબર ક્રાઈમ બ્રેકિંગ:
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં ઊંચા વળતર અને વધુ કમાણીની લાલચ આપીને નિર્દોષ લોકો સાથે ઠગાઈ આચરતા એક કુખ્યાત નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. મહેસાણાના ઉચરપી ગામની સીમમાં જી.એસ. ફાર્મ પાસે આવેલી બોરની ઓરડીમાં આ ગેરકાયદે રેકેટ ધમધમી રહ્યું હતું.
૮ આરોપીઓની ધરપકડ: બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી રાજકુમાર ચૌધરી, રોહિતકુમાર સેનમા, નિલેશજી ઠાકોર, વિપુલજી ઠાકોર, અંકિતકુમાર રાવળ, અમનસિંગ સિંગ, ધવલકુમાર પરમાર અને પરેશભાઈ રાવળ સહિત કુલ ૮ શખ્સોને ઝડપી પાડ્યા છે.
ઠગાઈનો મોડસ ઓપરેન્ડી: આરોપીઓ ‘માર્કેટ પલ્સ’ જેવી ટ્રેડિંગ એપ્લિકેશનો રાખીને ‘શ્યામ સ્ટોક એડવાઇઝર’ કંપનીના નામે ડમી સિમકાર્ડ અને રેન્ડમ મોબાઈલ નંબરોના લીસ્ટ દ્વારા ગ્રાહકોને ફોન કરતા હતા. લોકોને શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી બેંક ખાતામાં નાણાં નંખાવી ઠગાઈ આચરતા હતા. ગુંજાળા અને બાસણાના શખ્સો દ્વારા ડમી સિમકાર્ડ અને ડેટા પૂરો પાડવામાં આવતો હતો.
મુદ્દામાલ જપ્ત અને ફરાર આરોપીઓની શોધખોળ: પોલીસે દરોડા દરમિયાન અંદાજે રૂ. ૧.૨૨ લાખની કિંમતનો મુદ્દામાલ (૨૦ મોબાઈલ ફોન, નકલી આઈડી કાર્ડ, કન્સલ્ટીંગ કાર્ડ અને સિમકાર્ડ કવર્સ) જપ્ત કર્યો છે. મુખ્ય સૂત્રધાર વિષ્ણુભાઈ ઉર્ફે બચ્ચન અને વિકાસ ઉર્ફે વિકો તેમજ અન્ય ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
