ટોક્યો-ગુજરાત / મેગા ઇન્વેસ્ટમેન્ટ બ્રેકિંગ:
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જાપાન પ્રવાસ દરમિયાન ટોક્યોમાં ગુજરાત સરકારે ઇતિહાસ રચ્યો છે. એક જ દિવસમાં ૧૨૯ જેટલી અગ્રણી જાપાની કંપનીઓ સાથે બે વિશાળ મેગા રાઉન્ડટેબલ બેઠકો યોજીને રાજ્યમાં કરોડો રૂપિયાના રોકાણો અને હજારો નવી રોજગારીનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.
સુઝુકી મોટર અને સપ્લાયર્સ: ગુજરાતમાં સુઝુકીનું કાર ઉત્પાદન ૧૦ લાખથી બમણું કરીને ૨૦ લાખ સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરાયો છે. આ સાથે જ સુઝુકી સપ્લાય ચેઇનની ૨૪ નવી કંપનીઓએ પણ હાંસલપુર પ્લાન્ટ નજીક યુનિટો સ્થાપવા તૈયારી દર્શાવી છે.
ભાવનગરમાં સેમિકન્ડક્ટર કેમિકલ પ્લાન્ટ: વાઇબ્રન્ટ જાપાન પ્રવાસ દરમિયાન સુમિતોમો કેમિકલે ભાવનગરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સ્પેશિયલ કેમિકલ્સનું નવું મેન્યુફેક્ચરિંગ એકમ સ્થાપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
₹૪,૫૦૦ કરોડનું ઓપ્ટિકલ ફાઇબર રોકાણ: ફુરુકાવા ઇલેક્ટ્રિક જાપાનની બહાર પ્રથમ વખત ગુજરાતમાં ડેટા સેન્ટર્સ માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલ ઉત્પાદન ક્ષેત્રે ₹૪,૫૦૦ કરોડથી વધુનું રોકાણ કરવા અંતિમ તબક્કાની ચર્ચામાં છે.
હોન્ડા અને અન્ય સેક્ટર્સ: હોન્ડા કંપની ૨૦૨૭-૨૮ સુધીમાં વિસ્તરણ કરીને ગુજરાતના યુવાનો માટે ૪,૦૦૦થી વધુ નવી સીધી રોજગારી ઊભી કરશે. જ્યારે ક્યોવા લેધર, ટોક્યો ઇલેક્ટ્રોન અને JERA જેવી ૧૧ ગ્લોબલ કંપનીઓ પણ રોકાણ માટે સંમત થઈ છે.
હર્ષ સંઘવીનું આત્મવિશ્વાસપૂર્ણ નિવેદન: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને દિવંગત શિન્ઝો આબે વચ્ચેના ગાઢ સંબંધો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના લીધે આજે ભારત માટે જાપાનની પહેલી પસંદગી ગુજરાત બની ગયું છે.
