ઓટાવા/કેલગરી: કેનેડાના રાજકારણમાં અત્યારે મોટો ભૂકંપ આવ્યો છે. કેનેડાના પશ્ચિમી પ્રાંત અલ્બર્ટા (Alberta) ને એક સ્વતંત્ર દેશ બનાવવાની માંગ હવે ચળવળમાં ફેરવાઈ ગઈ છે. અલગતાવાદી નેતાઓએ દાવો કર્યો છે કે તેમણે રેફરન્ડમ (જનમત સંગ્રહ) માટે જરૂરી સમર્થન મેળવી લીધું છે અને આગામી ઓક્ટોબર મહિનામાં આ મુદ્દે મતદાન થઈ શકે છે.
૩ લાખ લોકોના હસ્તાક્ષર અને ઐતિહાસિક લડાઈ
અલગતાવાદી નેતા મિચ સિલવેસ્ટ્રેના જણાવ્યા મુજબ, જનમત સંગ્રહ માટે કાયદાકીય રીતે ૧.૭૮ લાખ હસ્તાક્ષરની જરૂર હતી, જેની સામે અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ હસ્તાક્ષર એકત્ર કરી ચૂંટણી પંચને સોંપવામાં આવ્યા છે. જો તમામ કાનૂની અડચણો દૂર થાય, તો ૧૯ ઓક્ટોબર ના રોજ અલ્બર્ટાના ભાવિ માટે ઐતિહાસિક મતદાન થઈ શકે છે.
શા માટે અલ્બર્ટા કેનેડાથી અલગ થવા માંગે છે?
અલ્બર્ટાની આ નારાજગી પાછળના મુખ્ય ત્રણ કારણો છે:
-
આર્થિક ભેદભાવ: અલ્બર્ટા કેનેડાના કુલ તેલ ઉત્પાદનનો ૮૪% હિસ્સો ધરાવે છે. અહીંના લોકોને લાગે છે કે તેઓ સૌથી વધુ કમાણી કરે છે, પરંતુ તેનો મોટો ભાગ ટેક્સ સ્વરૂપે ઓટાવા (કેન્દ્ર સરકાર) જતો રહે છે અને બદલામાં તેમને પૂરતો ફાયદો મળતો નથી.
-
પર્યાવરણના કડક નિયમો: કેન્દ્ર સરકારના આબોહવા પરિવર્તનના કડક નિયમો અલ્બર્ટાના તેલ અને ગેસ ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે.
-
રાજકીય વિચારધારા: અલ્બર્ટાના લોકો વધુ રૂઢિચુસ્ત (Conservative) છે, જ્યારે કેનેડાની કેન્દ્ર સરકાર લાંબા સમયથી લિબરલ રહી છે.
ટ્રમ્પ કનેક્શન અને અમેરિકા સાથે જોડાવાની ચર્ચા
આ વિવાદમાં હવે અમેરિકાની પણ એન્ટ્રી થઈ છે. આરોપ છે કે ટ્રમ્પ સરકારના અધિકારીઓ અલ્બર્ટાના અલગતાવાદી નેતાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કેટલાક નેતાઓ તો અલ્બર્ટાને અલગ દેશ બનાવવાને બદલે અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની પણ હિમાયત કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ અલ્બર્ટાને અમેરિકાનો ‘નેચરલ પાર્ટનર’ ગણાવ્યો હતો.
શું અલગ થવું એટલું સરળ છે?
કેનેડામાં અલગ થવાની પ્રક્રિયા ઘણી જટિલ છે:
-
સર્વે મુજબ, હાલમાં માત્ર ૩૦% લોકો જ અલગ દેશના પક્ષમાં છે.
-
વર્ષ ૨૦૦૦માં આવેલા ‘ક્લેરિટી એક્ટ’ મુજબ, કોઈ પણ પ્રાંત પોતાની મરજીથી અલગ થઈ શકતો નથી. તે માટે સ્પષ્ટ પ્રશ્ન, સ્પષ્ટ બહુમતી અને કેન્દ્ર સરકાર સાથેની વાતચીત ફરજિયાત છે.
-
અગાઉ ક્યૂબેક પ્રાંતે પણ ૧૯૮૦ અને ૧૯૯૫માં અલગ થવા પ્રયાસ કર્યો હતો, પરંતુ નજીવા અંતરથી તે કેનેડા સાથે જ રહ્યું હતું.
હાલમાં તો કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની એ આ મુદ્દે અમેરિકાને હસ્તક્ષેપ ન કરવા ચેતવણી આપી છે, પરંતુ ઓક્ટોબરનું મતદાન કેનેડાના ભવિષ્યની દિશા નક્કી કરશે.