વડોદરા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમના ભારત પ્રવાસના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર 2026 માં રમાનારી આ શાનદાર શ્રેણી વડોદરાના સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે મોટી ભેટ લઈને આવી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણેય વન-ડે (ODI) મેચો વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે.
વડોદરામાં વન-ડે અને રાયપુરમાં T20 નો જંગ
ઝિમ્બાબ્વેના આ ભારત પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે કુલ 3 વન-ડે અને 3 T20 મેચોની સિરીઝ રમાશે. T20 સિરીઝનું આયોજન છત્તીસગઢના રાયપુરમાં કરવામાં આવ્યું છે, જ્યારે વન-ડે સિરીઝની યજમાની વડોદરાને મળી છે.
કેપ્ટન કોણ હશે? આ શ્રેણી માટે ભારતીય મહિલા વન-ડે ટીમની કમાન અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર સંભાળશે, જ્યારે T20 ટીમનું નેતૃત્વ સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના કરશે.
ભારત vs ઝિમ્બાબ્વે: મેચોનું સંપૂર્ણ શિડ્યુલ
૧. T20 સિરીઝ (સ્થળ: રાયપુર | સમય: સાંજે 7:00 વાગ્યે)
| મેચ | તારીખ | વાર |
| પહેલી T20 | 16 ઓક્ટોબર, 2026 | શુક્રવાર |
| બીજી T20 | 18 ઓક્ટોબર, 2026 | રવિવાર |
| ત્રીજી T20 | 20 ઓક્ટોબર, 2026 | મંગળવાર |
૨. વન-ડે (ODI) સિરીઝ (સ્થળ: કોટંબી સ્ટેડિયમ, વડોદરા | સમય: બપોરે 2:00 વાગ્યે)
| મેચ | તારીખ | વાર |
| પહેલી ODI | 23 ઓક્ટોબર, 2026 | શુક્રવાર |
| બીજી ODI | 25 ઓક્ટોબર, 2026 | રવિવાર |
| ત્રીજી ODI | 28 ઓક્ટોબર, 2026 | બુધવાર |
મહિલા ક્રિકેટનું નવું હબ બની રહ્યું છે કોટંબી સ્ટેડિયમ
વડોદરાનું કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ધીમે ધીમે ભારતીય મહિલા ક્રિકેટ માટે સૌથી મનપસંદ અને લકી સ્થળ બની રહ્યું છે. આ અગાઉ પણ આ મેદાન પર ભારતીય મહિલા ટીમની આંતરરાષ્ટ્રીય મેચો અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની મેચો સફળતાપૂર્વક રમાઈ ચૂકી છે. દિવાળીના તહેવારોની આસપાસ જ વડોદરામાં આ મેચો યોજાવાની હોવાથી સ્થાનિક ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.