અમદાવાદ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: દારૂની પરમિશન અને થાઇલેન્ડની મોજ, ‘ભલામણવીરો’ના નેટવર્ક જામ, વહીવટ માટે હવાતિયાં મારતા હપ્તાખોરો

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.

હર્ષ’માં આવીને હાંક્યો ‘રથ’: દારૂના સ્ટેન્ડને પરમિશન આપતી સાળા-બનેવીની જોડીએ મચાવ્યો તરખાટ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બણગાં માત્ર ભાષણોમાં જ શોભે છે! બાગ જેવા વિસ્તારમાં શાહી સવારી કરતા એક સાળા-બનેવીની જોડીનું રાજ ચાલે છે. અરે, એક ઉચ્ચ અધિકારીના બંગલાની અને પોલીસ સ્ટેશનની બિલકુલ નાક નીચે આ જોડીએ કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે! હમણાં જ અહીં થયેલી એક જૂથ અથડામણનો વીડિયો વાઈરલ થયો હતો, છતાં જાણે પોલીસના પેટનું પાણી હલતું નથી. આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર એટલે ‘હર્ષ’માં આવીને ‘રથ’ હાંકતો એક મોટો વહીવટદાર અને તેનો જમણો હાથ એટલે ‘અર-વિન’ નામનો પેટા-ખેલાડી! પોલીસ બેડામાં ચાલતી ચર્ચાઓ મુજબ આ બેલડીએ ઉચ્ચ અધિકારીના બંગલાનો કોઈ પણ ડર રાખ્યા વિના, વિસ્તારમાં 10 થી 12 જેટલા વિદેશી દારૂના સ્ટેન્ડોને ખુલ્લેઆમ ધમધમવાની ‘પરમિશન’ આપી દીધી છે! જ્યાં ખાખીનો ખોફ હોવો જોઈએ, ત્યાં આ સેટિંગબાજ વહીવટદારો બેફામ દારૂની હાટડીઓ ચલાવી રહ્યા છે. દારૂબંધીની મોટી-મોટી વાતો કરનારા સિસ્ટમના રખેવાળો હવે આ બેલડીના ખુલ્લા ખેલ સામે આંખે પાટા બાંધીને બેઠા છે! આ તે કેવો કાયદો અને કેવી વ્યવસ્થા? શરમજનક!

આશિકસિંહ થાઇલેન્ડ ફરવાનો આશિક, છ પીઆઈ બદલાયા તો પણ પોતે જ ‘બોસ’

પાટનગરમાં જાણીતી આઈટી કંપનીનું હબ તરીકે જાણીતા એક પોલીસ સ્ટેશનમાં ૬-૬ પીઆઈ બદલાયા, પણ આ ખુરશી પર ફેવિકોલ લગાવીને બેઠેલા ‘આશિકસિંહ’નો વાળ પણ વાંકો નથી થયો! જે પણ પીઆઈ આ પોલીસ સ્ટેશનમાં આવે તેમને ‘આશિકસિંહ’ના પ્રેમમાં પડવું જ પડે એવો તેનો દબદબો છે. તેના સિવાય જો કોઈ કર્મચારી વહીવટમાં આવે તો તેનો યેનકેન પ્રકારે ખેલ પાડી દેવાય છે. આશિકસિંહ થાઇલેન્ડ ફરવાનો આશિક છે. થાઈલેન્ડ અને દુબઈ જવું એમના માટે તો જાણે રવિવારે બાજુના ગામ જવા બરાબર છે, એ પણ કોઈની મંજૂરી વગર! આ આશિકસિંહ ૪ સ્પા અને એક હોટલમાં ભાગીદારી સાથે ધંધો કરતો હોવાની પણ ચર્ચા છે. મજાની વાત તો એ છે કે, જ્યારે પણ કોઈ પોલીસ ખાતાનો કર્મચારી વિદેશ ફરવા જાય ત્યારે અચૂક ઉપરી અધિકારીની મંજૂરી લેવાની હોય છે, પણ આ વહીવટદાર તો ‘સાહેબ’ છે તેમને થોડી કોઈ પરમિશન લેવાની હોય. જો ઉચ્ચ અધિકારીઓ આ વહીવટદારનો પાસપોર્ટ ચેક કરે તો ખબર પડે કે કેટલી ઐયાશી કરી ચૂક્યો છે. અત્યાર સુધી આટલા પીઆઈ બદલાયા તો પણ તેનો વહીવટ ચાલુ જ છે તેવી પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

પીઆઈ સાહેબના ‘ભલામણવીર’ આઉટ ઓફ નેટવર્ક, હવે વહીવટ માટે હવાતિયાં મારી રહ્યા છે

સાંભળ્યું છે કે ‘કૃષ્ણના એ નગરમાં’ આજકાલ નસીબના પાસા જબરા ઊંધા પડ્યા છે! એક ‘મહારથી’ પોલીસકર્મીએ ગણિત એવું માંડ્યું હતું કે રાજકારણીના પગે લાગીને પોતાના માનીતા સાહેબને બેસાડશે, તો આખા નગરમાં પોતાનું શાસન ચાલશે. વિચાર તો એવો હતો કે સાહેબના નામે ‘વહીવટ’ની ગંગા વહેવડાવીને પોતાના ગજવા ગરમ કરી લેશે. પણ ભાઈ, અહીં તો ‘શેરને માથે સવા શેર’ વાળી રમત થઈ ગઈ! નવા આવેલા સાહેબ તો એવા ખેલાડી નીકળ્યા કે જેણે ભલામણ કરાવી હતી, એને જ સીમારેખાની બહાર ફેંકી દીધો. જેણે સપના જોયા હતા મલાઈ ખાવાના, એને અત્યારે સૂકી રોટલીના પણ ફાંફાં છે. પી.આઈ. સાહેબે તો જૂના જોગીને પકડીને પોતાનું કામ સેટ કરી દીધું, અને પેલા ભલામણવીર અત્યારે પંચર સાંધવા માટે ‘આઉટ ઓફ નેટવર્ક’ થઈને ભટકી રહ્યા છે. સીધી વાત એ છે કે, રાજકારણના જોરે જે ખાડો ખોદવા જાય છે, એમાં પડવાનો વારો પણ એમનો જ આવે છે. અત્યારે હાલત એવી છે કે ન ઘરના રહ્યા, ન ઘાટના… હવે બસ વહીવટ લેવા માટે હવાતિયાં મારે છે!”

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »