અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના રહસ્યમય કિસ્સામાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. પરિવારના સભ્યોના નિવેદનોમાં જોવા મળતી વિસંગતતાને પગલે હવે પોલીસે આ કેસ ઉકેલવા માટે સાયન્ટિફિક પદ્ધતિઓનો સહારો લેવાનું નક્કી કર્યું છે.
માતા-પિતાની શંકાસ્પદ ભૂમિકા?
પોલીસે પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના નિવેદનોમાં રહેલી વિસંગતતાઓને પગલે બંનેનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ (Polygraph Test) કરાવવાનો નિર્ણય લીધો છે. આજે માતા ભાવનાને હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
FSL રિપોર્ટ ખોલશે મોતના રહસ્યના દ્વાર
ઝેરી તત્વોની હાજરી: મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક રિપોર્ટમાં ‘એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ’ના અંશ મળી આવ્યા હતા.
આજે મહત્વનો દિવસ: આજે સોમવારે સત્તાવાર FSL રિપોર્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે, જે સ્પષ્ટ કરશે કે આ ઘટના માત્ર ફૂડ પોઈઝનિંગ છે કે પછી હત્યા કે આત્મહત્યાનો મામલો.
પોલીસ તપાસના મુખ્ય મુદ્દાઓ:
CCTV ફૂટેજ: પોલીસે ઘટનાના 5 દિવસ પહેલાના લોકેશન ટ્રેસ કરી અંદાજે 50થી વધુ CCTV ફૂટેજ કબજે કર્યા છે.
માતાની પૂછપરછ: ચાંદખેડા PI અને મહિલા અધિકારીઓ દ્વારા ભાવના પ્રજાપતિની બંધ બારણે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગાયબ કડીઓ: ઘટનાના 8 દિવસ વીતી જવા છતાં પોલીસ હજુ સુધી કોઈ નક્કર પુરાવા સુધી પહોંચી શકી નથી, જેના કારણે આ ટેસ્ટ મહત્વના બની ગયા છે.
શું હતી સમગ્ર ઘટના?
ચાંદખેડામાં પ્રજાપતિ પરિવારે બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા. જે બાદ બંને બાળકીઓ અને માતા-પિતાની તબિયત ગંભીર રીતે લથડી હતી. સારવાર દરમિયાન બંને બાળકીઓના મોત નીપજ્યા હતા. હાલ પોલીસ પિતા વિમલની હિલચાલ અને લોકેશન પર પણ ખાસ નજર રાખી રહી છે.