રમતગમતની સાથે વિરાસતની ઝલક: ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત દેશભરના પોલીસ ખેલાડીઓએ અમદાવાદમાં માણ્યો ‘હેરિટેજ વોક’નો આનંદ
અમદાવાદ: શહેરના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલા ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત આજે તા. ૨૪ નવેમ્બરના રોજ વહેલી સવારે એક વિશેષ ‘હેરિટેજ વોક’નું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતની હરીફાઈની સાથે સાથે દેશના વિવિધ ખૂણેથી આવેલા પોલીસ જવાનોને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાથી પરિચિત કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા આ સુંદર પહેલ કરવામાં આવી હતી.
વર્લ્ડ હેરિટેજ સિટીના ઐતિહાસિક સ્થાપત્યો નિહાળી ખેલાડીઓ પ્રભાવિત
આ રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) માંથી પધારેલા ખેલાડીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ આ હેરિટેજ વોકમાં અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેદાન પરના રોમાંચક મુકાબલાઓની સાથે સાથે ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, ભવ્ય વારસા અને સમૃદ્ધ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લહાવો લીધો હતો.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધુ મજબૂત બની
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ સુઆયોજિત અને આતિથ્યસભર આયોજનથી અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ હેરિટેજ પ્રવાસે ટૂર્નામેન્ટના વ્યસ્ત સમયપત્રક વચ્ચે ખેલાડીઓમાં નવી તાજગીનો સંચાર કરવાની સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
બોક્સ મેટર: અમદાવાદમાં હેરિટેજ વોકની ખાસિયતો
-
તારીખ અને સમય: ૨૪ નવેમ્બર, ૨૦૨૬ (વહેલી સવારે).
-
કોણ જોડાયું: ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર’માં ભાગ લેવા આવેલા વિવિધ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના ખેલાડીઓ તથા અધિકારીઓ.
-
ખાસ આકર્ષણ: વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાનો પ્રત્યક્ષ પરિચય.
