વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
વનમાં તો વન રાજ સિંહ હોય પણ અમદાવાદમાં બે રાજા છે
આમતો વનનો રાજા વનરાજ એટલે કે સિંહ હોય છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરના બે રાજા છે. એક છે વનરાજ અને બીજો છે દિલિપ. આ બે રાજાઓએ આખું અમદાવાદ બાનમાં લીધું છે. જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલીક વખત કથળી જાય છે. બે પોલીસ કર્મચારીઓએ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. તેમના મહિને કરોડો રૂપિયાથી પોતાના ખિસ્સા ગરમ કરીને અમદાવાદની શાંતીને હણી રહ્યાં હોવાની ચર્ચા છે. જેના કારણે ગુનેગારો બેફામ બન્યાં છે અને જાહેર રોડ અને રસ્તા પર આતંક મચાવી રહ્યાં છે. પોલીસનો ખૌફ ગુનેગારોમાં બિલકુલ રહ્યો નથી એવી સ્થિતિનું સર્જન થયું છે. જો તે પોલીસ કર્મચારીની વાત કરીએ તો, તે અગાઉ જે કોટ વિસ્તારના પોલીસ સ્ટેશનનો વહિવટ કરતો હતો તે પોલીસ સ્ટેશનનો ફરી વહિવટ નહીં મળતાં આખું અમદાવાદ માથે લીધું હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. એના વિસ્તારમાં એક ચર્ચિત મટકા કિંગ અને ક્લબમાં તેનો દબદબો હતો. આ ક્લબમાં તેની રોજની અવરજવર હતી. આ ક્લબ પર પણ તેની સત્તાના જોરે તેણે દરોડો પડાવ્યો હતો. જ્યારે વનની વાત કરીએ તો, વન રાજાની જેમ તે આખા અમદાવાદ શહેરમાં રાજ કરે છે. કેટલાક રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો કરીને તે પોતાનું રાજ ચલાવી રહ્યો હોવાની ચર્ચા છે.
વટ વાળા વિસ્તારમાં ત્રિપૂટીનો હાહાકાર
અમદાવાદના વટ વાળા એક વિસ્તારમાં વાહ વાહ કરીને ત્રણની ત્રિપુટીએ હાહાકાર મચાવી દીધો છે. આ વિસ્તારમાં દારૂ, જુગાર અને વરલી મટકા જેવા બે નંબરના ધંધા બંધ હતા તે આ ત્રણની ત્રિપુટીએ ફરી ચાલુ કરાવી દીધા હોવાની ચર્ચા છે. દેવોના દેવ તો ઈન્દ્રદેવ કહેવાય છે પણ અહીં તો વિરેન્દ્રએ તરખાટ મચાવ્યો છે. રાહુ અને કેતુ તો ગ્રહ કહેવાય છે પણ રહુ અને લ આવી જાય ત્યાં રાહુ અને કેતુ પણ ચાલતા નથી. આ ત્રિપુટી જાણે આ વિસ્તારના યુવરાજ હોય તેમ લોકો સાથે બેફામ વાણી વર્તન કરીને તેમનું ખીસ્સાનું વજન વધારતા હોવાની ચર્ચા છે. સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં એક પીઆઈના એક કે બે વહિવટદાર હોય છે પણ પૂર્વ વિસ્તારમાં તળાવ પાસે આવેલા એક પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ વહિવટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે અને પીઆઈના તેમજ પોતાના ખીસ્સા ગરમ કરી રહ્યા હોવાની ચર્ચા છે.
પ્રવિણની પ્રવિણતા અને દિલિપના આશિર્વાદ
આમતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ સરદારના નગરમાં પ્રવિણની પ્રવિણતાના કારણે દારૂની રેલમછેલ થઈ રહી હોવાની ચર્ચા છે અને મહિને દહાડે દોઢથી બે કરોડ રૂપિયાની રોકડી કરીને વિસ્તારમાં સબસલામત હોવાના દાવા કરી રહ્યા હોવાની ચર્ચા છે. દિલિપના આશિર્વાદથી પ્રવિણને કોઈનોય ડર નહીં હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. પોલીસ વિભાગ આમતો ડિસિપ્લિન વાળો વિભાગ ગણાય છે અને કોન્સ્ટેબલો પીઆઈને સલામ મારતા હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા વહી રહી છે. અધિકારીઓ પોતાના ખીસ્સા ગરમ કરવા માટે પોલીસ કર્મચારીને સલામ મારતા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ પોલીસ કર્મચારીને એક બે નહીં પણ ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઈ સલામ મારીને ધન્યતા અનુભવતા હોવાનું જાણવા મળ્યું છે. ભગવાન ક્રિષ્ણના નગરમાં પ્રવિણ જેવા સરદારની જો હૂકમી અને દાદાદગીરી ચાલતી હોવાની કેટલાક પોલીસ કર્માચારીઓ ચર્ચા કરી રહ્યાં છે. અહીં દારૂ અને જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ કરતા બુટલેગરો સાથે પોલીસના ગાઢ સંબંધો હોય અને પોલીસના જોરે જ બુટલેગરો ધંધાકિય અદાવતના કારણે એક બીજાના સામસામે વીડિયો અનેક વખત વાયરલ કરતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આંખ બંધ કરીને જાણો કશું જોતા જ ના હોય તેવો ડોળ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. આ વિસ્તાર દારૂ અને જુગાર માટે આજથી નહીં પણ વર્ષોથી બદનામ છે છતાં ઉચ્ચ અધિકારીઓ જે લોકોને કાયદાના પાઠ ભણાવવાની વાતો કરે છે તેઓ અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પાંગળા સાબિત થયા હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. જેના કારણે આ વિસ્તારમાં ગુનેગારો ફૂલ્યા ફાલ્યા છે.