ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
આગામી જનગણના ૨૦૨૭ના બીજા તબક્કા (વસ્તીની ગણતરી) માટેની તૈયારીઓ અને કાર્યકારી માળખાની વ્યાપક સમીક્ષા કરવાના હેતુથી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય-સ્તરીય જનગણના સંકલન સમિતિ (SLCCC) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ ના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે.
સમયમર્યાદા અને સુમેળ જાળવવા પર ભાર:
બેઠકને સંબોધતા મુખ્ય સચિવ એમ. કે. દાસે રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓને પરસ્પર સુમેળભર્યું સંકલન જાળવવા અને નિર્ધારિત સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવા સખત સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જનગણનાના બીજા તબક્કા સાથે સંકળાયેલા તમામ લક્ષ્યાંકો રાજ્યભરમાં અત્યંત સુચારુ અને કાર્યક્ષમતાપૂર્વક પૂર્ણ થવા જોઈએ.
ડિજિટલ સુવિધાઓ અને પ્રેઝન્ટેશન:
આ બેઠકમાં ગુજરાત જનગણના નિદેશાલયના નિયામક અને સમિતિના સંયોજક સુજલ જે. મયાત્રા દ્વારા એક વિસ્તૃત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જનગણનાના બીજા તબક્કાનો વ્યાપ, કામગીરીનું કામચલાઉ કેલેન્ડર તેમજ આગામી તબક્કામાં સમાવવામાં આવનારી આધુનિક ડિજિટલ સુવિધાઓ અને નવીનતાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.