ભાવનગર / સ્પેશિયલ રિપોર્ટ:
ભાવનગરના આકાશમાં આવતીકાલે દેશભક્તિ, રોમાંચ અને સાહસનો એક અનોખો અને અવિસ્મરણીય નજારો જોવા મળનાર છે. ભારતીય વાયુસેનાની ગૌરવવંતી ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (Surya Kiran Aerobatic Team – SKAT) પ્રથમવાર ભાવનગરની ધરતી પર એક ભવ્ય એરશો યોજવા જઈ રહી છે. આ ઐતિહાસિક કાર્યક્રમ પહેલા આજે બોરતળાવ ખાતે વાયુસેનાના ૬ હોક એમકે-૧૩૨ (Hawk MK-132) જેટ વિમાનો દ્વારા અત્યંત રોમાંચક રિહર્સલ કરવામાં આવ્યું હતું.
૨૦ મિનિટ સુધી આકાશમાં આશ્ચર્યજનક કરતબો:
રિહર્સલ દરમિયાન આશરે ૨૦ મિનિટ સુધી આકાશમાં વિવિધ પ્રકારના જોખમી અને મનમોહક હવાઈ કરતબો રજૂ કરીને વાયુસેનાના જવાનોએ પોતાની અદ્ભુત શિસ્ત, સાહસ અને ઉત્કૃષ્ટ કૌશલ્યનો પરિચય કરાવ્યો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આવતીકાલે ભવ્ય એરશો:
આવતીકાલે સવારે ૯ વાગ્યે કુલ ૯ જેટ વિમાનો સાથે સૂર્યકિરણ ટીમ દ્વારા મુખ્ય એરશો યોજાશે, જેમાં આકાશમાં રાષ્ટ્રધ્વજના ત્રિરંગા રંગો સહિતના અદભુત ફોર્મેશન અને વાયુસેનાના ભવ્ય બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

