રાજ્યમાં શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ કડકડતી કે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવવા માટે રાજ્યવાસીઓએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આ હવામાન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ખાસ ઠંડી પડવાની શક્યતા નહિવત છે અને સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે.
બીજી તરફ, કચ્છના નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. આજે નલિયામાં લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 3 ડિગ્રી જેટલું ઓછું છે. જોકે, રાજ્યના અન્ય શહેરો અને વિસ્તારોમાં હાલ બેવડી ઋતુ જેવો માહોલ છે અને આગામી એક અઠવાડિયા બાદ જ ઠંડીના જોરમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
