વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)ની મહત્વપૂર્ણ બેઠકમાં દેશના રાજકીય અને બંધારણીય માળખાને લગતો એક અત્યંત મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 40 મિનિટ સુધી ચાલેલી આ કેબિનેટ બેઠકમાં સીમાંકન (Delimitation) અને મહિલા અનામત સંબંધિત નવા બંધારણ સુધારા બિલને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
આ મહત્વાકાંક્ષી બિલ હેઠળ દેશના તમામ રાજ્યોમાં સમાન ધોરણે લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. દક્ષિણના રાજ્યોની પ્રતિનિધિત્વ ઘટવાની ચિંતાઓને દૂર કરવા માટે દરેક રાજ્યના વર્તમાન હિસ્સામાં કોઈ ફેરફાર કર્યા વિના 50% બેઠકો વધારવાનો નિર્ણય લેવાયો છે, અને બેઠકોની આ નવી સંખ્યા પરની સીમા વર્ષ 2051 સુધી લાગુ રહેશે. આ ઉપરાંત, 2029ની સામાન્ય ચૂંટણી પહેલાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત લાગુ કરવાનો માર્ગ પણ આ સુધારાથી મોકળો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલને આગામી અઠવાડિયે 30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના ચાર દિવસીય વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
