કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન કરતી તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર, કચ્છના સીધા માર્ગદર્શન હેઠળ ભુજ-કચ્છની મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્ક્વોડની કચેરી દ્વારા ખનિજ ચોરી અંગે મળતી અવારનવાર ફરિયાદોને ગંભીરતાથી લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાપર તાલુકાના ગાગોદર ગામને લાગુ સીમ વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડે વહેલી સવારે ઓચિંતી તપાસ કરીને ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.
મળતી વિગતો અનુસાર, તારીખ 26/06/2026ના વહેલી સવારે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ખનિજ ચોરોને ગંધ સુદ્ધાં ન આવે તે માટે ખાનગી વાહનનો ઉપયોગ કરીને ગુપ્ત રાહે ગાગોદર સીમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તંત્રની ટીમ ખાનગી વાહનમાં ત્રાટકી હોવાથી ખનિજ માફિયાઓને ભાગવાની કે સંતાવાની કોઈ તક મળી ન હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી કિંમતી એવા ‘ચાઇના ક્લે’ ખનિજનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ઝડપાયું હતું.
તપાસ ટીમે સ્થળ પરથી ખનન કાર્યમાં વપરાતું 1 એક્સકેવેટર મશીન (હિટાચી મશીન) તથા ગેરકાયદેસર ખનિજ ભરવા માટે આવેલા 14 ખાલી ડમ્પરને રંગેહાથ ઝડપી પાડી અટકાયત કરી હતી. ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા હિટાચી મશીન અને 14 ડમ્પર મળીને કુલ ₹4.45 કરોડની કિંમતનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા આ તમામ વાહનો અને મશીનરીને કાયદેસર રીતે સીઝ કરીને સુરક્ષા હેતુસર ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ ખનિજ વિભાગની ટીમ દ્વારા આ ગેરકાયદેસર ખનન પાછળ કોણ સંડોવાયેલું છે અને કેટલા પ્રમાણમાં ખનિજ ચોરી થઈ છે, તે દિશામાં આગળની નિયમોનુસારની દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે
