જામનગર / ક્રાઈમ બ્રેકિંગ:
ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે જામનગરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને મોટા પાયે વિદેશી દારૂ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઇવે પર આવેલી માનસી હોટલ પાછળ પંચકોશી ‘A’ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં રૂ. ૫૩.૭૮ લાખની કિંમતનો જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે.
ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રનું નામ ખૂલ્યું:
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો વોર્ડ નંબર ૧૦ ના ભાજપનાં મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેષ બાંભણીયા ના ગોડાઉનમાંથી ઝડપાયો છે. આ ઘટનામાં રાજકીય કનેક્શન સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
મુદ્દામાલ અને ધરપકડની વિગતો:
પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૯,૫૨૨ બોટલો (જેની કિંમત રૂ. ૪૦,૬૮,૫૧૭ થાય છે) તેમજ ત્રણ વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫૩,૭૮,૫૧૭ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિક નામના શખ્સની ધરપકડ કરી લીધી છે, જ્યારે હિતેષ બાંભણીયા સહિતના અન્ય ૯ આરોપીઓ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.