ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોતના મામલે શરૂ થયેલો વિવાદ અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. ન્યાયની માંગણી સાથે ક્ષત્રિય સમાજ છેલ્લા ચાર દિવસથી આંદોલન ચલાવી રહ્યો છે. ગઈકાલે ઉમરાળા ખાતે સ્મશાનમાં પૂતળા દહન કરીને વિરોધ નોંધાવ્યા બાદ, આજથી ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર જિલ્લાભરમાં આંદોલનના મંડાણ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતના બ્લુ ફલેગ શિવરાજપુર બીચને મળ્યો અત્યાધુનિક નવો લુક
આ દરમિયાન આજે રેન્જ આઇજી (Range IG)નું તેડું આવતા ક્ષત્રિય સમાજના આગેવાનો કચેરીએ દોડી ગયા હતા અને રેન્જ આઇજી અસારી સાથે બંધ બારણે બેઠક શરૂ થઈ હતી. જોકે, આ બેઠકમાંથી કોઈ સકારાત્મક ઉકેલ આવશે તેવી અપેક્ષાઓ વચ્ચે માત્ર પાંચ જ મિનિટમાં આઈજી સાથેની બેઠક સમેટાઈ ગઈ હતી. બેઠક બાદ બહાર આવેલા ક્ષત્રિય સમાજના આગેવાન ધર્મવીરસિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રેન્જ આઇજી સાથેની આ બેઠક સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
સમાજના આગેવાનોએ આકરા તેવર સાથે જાહેરાત કરી છે કે, જ્યાં સુધી આ મામલે જવાબદાર વલ્લભભાઈ વિરડીયા અને વિશાલ ધામેલીયા સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી પરિવાર અને સમાજ દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ મામલે યોગ્ય નિકાલ નહીં આવે, તો ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

1 thought on “ભાવનગરમાં પથુભા ગોહિલના જેલમાં મોતનો મામલો ગરમાયો”