ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલના મોતના મામલે ન્યાયની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલું આંદોલન આજે સતત ચોથા દિવસે વધુ ને વધુ વેગ પકડી રહ્યું છે. રેન્જ આઇજી સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ આજે દિવસભર ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો જન સુનાવણી કાર્યક્રમ
આંદોલનના ભાગરૂપે આજે સાંજે ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ સર ટી. (સર્ટી) હોસ્પિટલથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નીલમબાગ સર્કલ સુધી પહોંચી હતી. નીલમબાગ સર્કલ ખાતે પહોંચ્યા બાદ સમાજના આગેવાનો અને યુવાનોએ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં રસ્તા પર બેસીને રામધૂન બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે, જો વહેલી તકે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન હવે માત્ર ભાવનગર પૂરતું મર્યાદિત નહીં રહે. આગામી સોમવારથી સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર પાઠવીને રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

1 thought on “પથુભા ગોહિલના જેલમાં મોત મામલે સતત ચોથા દિવસે ક્ષત્રિય સમાજનું આંદોલન તેજ બન્યું”