રાજ્યની મેડિકલ કોલેજોમાં બનેલી રેગિંગની ઘટનાઓ સામે રાજ્ય સરકારે અત્યંત આકરું વલણ અપનાવીને કડક દાખલો બેસાડ્યો છે. તાપી જિલ્લાના 72 કલાકના પ્રવાસ દરમિયાન વ્યારા ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને સર્વોપરી ગણાવી રેગિંગ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ જાહેર કરી છે. મંત્રીની સીધી સૂચનાને પગલે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ (બહાર) કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની પીડીયુ (PDU) મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “રેગિંગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને હેરાન કરવા એ અમાનવીય કૃત્ય છે અને આવા કૃત્ય સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.”
આ પણ વાંચો: પથુભા ગોહિલના જેલમાં મોત મામલે ક્ષત્રિય સમાજનું આંદોલન તેજ બન્યું
વડોદરાની જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ, ગોત્રી ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે થયેલી માનસિક હેરાનગતિની ઘટના બાદ આરોગ્ય મંત્રીએ ત્વરિત નિયામકને સૂચના આપી માત્ર 12 કલાકમાં એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ મંગાવ્યો હતો. શનિવારે, 28 નવેમ્બર, 2026ના રોજ સવારે 10:00 કલાકે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે મળેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની લેખિત-મૌખિક રજૂઆતો સાંભળવામાં આવી હતી. તમામ પાસાઓની ચકાસણી બાદ કમિટીએ શિસ્તભંગનું વર્તન સાંખી ન લેવાના નિર્ણય સાથે ત્રીજા વર્ષના 5 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી 6 મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો આદેશ કર્યો હતો, જે અંગેનો સત્તાવાર હુકમ કોલેજના ડીન દ્વારા જારી કરાયો છે.
આ જ પ્રકારે, રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ પ્રથમ વર્ષના એમબીબીએસ (MBBS) વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવા બદલ એન્ટી રેગિંગ કમિટીના અહેવાલ બાદ ત્વરિત પગલાં ભરીને કુલ 14 વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી લઈને એક-બે માસ સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

1 thought on “રેગિંગ મામલે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ”