ગુજરાત રાજ્યને વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ સ્પોર્ટ્સ ટુરિઝમ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાની દિશામાં વધુ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. અમદાવાદનો વિશ્વપ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ હવે ગ્લોબલ સ્પોર્ટ્સ એન્ડ એન્ડ્યુરન્સ ઇવેન્ટ્સનું આદર્શ કેન્દ્ર બનવા જઈ રહ્યો છે, જ્યાં આગામી તારીખ 14 ફેબ્રુઆરી, 2027ના રોજ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત ‘આયર્નમેન 70.3 અમદાવાદ’ (IRONMAN 70.3 Amdavad) ટ્રાયથ્લોન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: PM મોદીની કેબિનેટનો મોટો નિર્ણય
આ ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન સ્પર્ધામાં ભારત સહિત દેશ-વિદેશના સેંકડો એથ્લીટ્સ ભાગ લેશે. સ્પર્ધાના નિયમો અને માળખા મુજબ, ભાગ લેનારા એથ્લીટ્સે એક પછી એક ત્રણ કઠિન તબક્કામાં કુલ 113 કિલોમીટર (70.3 માઇલ) નું અંતર નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. જેમાં પ્રથમ તબક્કામાં એથ્લીટ્સ સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ કરશે, ત્યારબાદ બીજા તબક્કામાં 90 કિલોમીટર સાઇકલિંગ અને અંતિમ તબક્કામાં 21.1 કિલોમીટર (હાફ મેરેથોન) દોડ પૂર્ણ કરશે.
ખાસ વાત એ છે કે અમદાવાદમાં યોજાનારી આ વૈશ્વિક સ્પર્ધાના ત્રણેય તબક્કામાં સાબરમતી નદી અને રિવરફ્રન્ટ કેન્દ્રસ્થાને રહેશે, જેનાથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કલ્ચરને વૈશ્વિક ઓળખ મળશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા અંગે વધુ વિગતવાર માહિતી મેળવવા તેમજ રજિસ્ટ્રેશન કરાવવા માટે રસ ધરાવતા સ્પર્ધકો સત્તાવાર વેબસાઇટ www.ironman.com/races/im703-amdavad ની મુલાકાત લઈ શકશે.
