અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આઈ-ડિવિઝન (I-Division) પોલીસે મોટી કાર્યવાહી કરીને અંગત સેવન માટે ડ્રગ્સ લાવતા શખ્સોથી લઈને તેનું છૂટક વેચાણ કરતા આરોપી સુધીની સમગ્ર કડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે કુલ પાંચ આરોપીઓને દબોચી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ ઝોન-5 વિસ્તારના રહેવાસી છે, અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાના અંગત સેવન માટે નશીલા પદાર્થો મેળવતા હતા.
જોકે, આ પાંચ આરોપીઓમાંથી કૃષ્ણનગર વિસ્તારમાંથી ઝડપાયેલો દિનેશ માળી અલગ ભૂમિકા ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. દિનેશ માળી પોતે નશો કરવાની સાથે પોતાના ખર્ચા કાઢવા માટે ડ્રગ્સનું છૂટક વેચાણ પણ કરતો હતો. આમ, અંગત સેવન કરનારાઓની સાથે છૂટક વેચાણ કરતી કડી પણ પોલીસના હાથ લાગી છે. આઈ-ડિવિઝન ACP કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર, હવે પોલીસનું મુખ્ય ધ્યાન ડ્રગ્સ સપ્લાયના મૂળ સુધી પહોંચવા પર છે. આ માટે તમામ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી તેઓ કોની પાસેથી માદક પદાર્થો લાવતા હતા અને તેમની પાછળ અન્ય કયા પેડલરો સક્રિય છે તે જાણી શકાય.
બીજી તરફ, પોલીસે ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા તત્વો સામે અત્યંત કડક વલણ અપનાવવાની જાહેરાત કરી છે. પોલીસ અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિ ડ્રગ્સ લાવશે, તેનું સેવન કરશે કે વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, જરૂર જણાશે તો ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો જપ્ત કરવા તેમજ તેમના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા સુધીના આકરા પગલાં પણ લેવામાં આવશે.

1 thought on “અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની મોટી કાર્યવાહી”