સાવલીમાં એક તરફ પાણીનું સંકટ, તો બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ: ટુંડાવથી શુભેલાવ માર્ગ પર ‘નલ સે જલ’ યોજનાના એર વાલ્વમાં લીકેજથી તંત્રની કામગીરી સામે ઊઠ્યા સવાલો
વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક તરફ ગ્રામજનો પાણીની સમસ્યા અને સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર કિંમતી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાવલી તાલુકાના ટુંડાવથી શુભેલાવ જવાના માર્ગ પર ‘નલ સે જલ’ યોજનાની પાઈપલાઈનના એર વાલ્વમાં લીકેજ થતાં સતત પાણી વહી રહ્યું છે.
તાલુકામાં અનેક સ્થળોએ એર વાલ્વ લીકેજની ફરિયાદો
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ટુંડાવ-શુભેલાવ રોડ પર આવેલા એર વાલ્વમાંથી સતત પાણી વહી રહ્યું હોવાથી રસ્તાની આસપાસ પાણી ભરાઈ ગયા છે અને પીવાના શુદ્ધ પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે. માત્ર આ એક જ સ્થળ નહીં, પરંતુ સાવલી તાલુકામાં અન્ય ઘણા સ્થળોએ પણ એર વાલ્વમાં લીકેજ હોવાની ફરિયાદો ઉઠી છે.
પાણી પુરવઠા વિભાગની જાળવણી સામે રોષ
તાલુકામાં એક બાદ એક લીકેજના કિસ્સાઓ સામે આવતા પાણી પુરવઠા વિભાગની કામગીરી અને લાઈનોની જાળવણી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્રની આ બેદરકારીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સત્વરે જાગીને લીકેજની સમસ્યા દૂર કરશે કે પછી આમ જ હજારો લીટર પાણીનો વેડફાટ ચાલુ રહેશે.
