ગુજરાતના ખેડૂતોના આર્થિક હિતોનું રક્ષણ કરવા અને તેમને ખેત પેદાશોના પૂરતા તેમજ પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 30 નવેમ્બર, 2026થી રાજ્યમાં ખરીફ મગની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ભારત સરકારના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ આશા યોજના)”ની માર્ગદર્શિકા મુજબ આ સમગ્ર ખરીદી હાથ ધરવામાં આવશે. વર્ષ 2026-27 માટે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ મગનો ટેકાનો ભાવ ₹8,780 પ્રતિ ક્વિન્ટલ (એટલે કે ₹1,756 પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે.
હાલમાં રાજ્યની વિવિધ APMC ખાતે ખરીફ મગનો સરેરાશ બજાર ભાવ ₹8,190 પ્રતિ ક્વિન્ટલ (₹1,638 પ્રતિ મણ) ચાલી રહ્યો છે, જે નિયત ટેકાના ભાવ કરતા ઓછો છે. આ સંજોગોમાં ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તે માટે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર 550 કિલોગ્રામ (27.5 મણ) અને ખેડૂત દીઠ મહત્તમ 2,500 કિલોગ્રામ (125 મણ) સુધી ખરીફ મગની ખરીદી કરવામાં આવશે.
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મળ્યેથી તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે નિયત ધોરણ મુજબના જથ્થા સાથે હાજર રહી યોજનાનો લાભ લેવાનો રહેશે. ખરીદી સામેની રકમ સીધી ખેડૂતોના આધાર સીડેડ બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે. ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ ખેડૂતોએ પોતાના બેંક ખાતા ફરજિયાત આધાર સીડીંગ કરાવીને એક્ટિવ રાખવા કૃષિ વિભાગ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ પીએમ આશા યોજના હેઠળ સમાવિષ્ટ અન્ય ખરીફ પાકોના સરેરાશ બજાર ભાવ નિયત ટેકાના ભાવ કરતા વધુ ચાલી રહ્યા છે.
