વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશજીના જગતમંદિરમાં દર્શન અને ધાર્મિક વિધિઓ માટે આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, હવે જગતમંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ખાનગી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરની ગરિમા, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે હેતુથી વહીવટી સમિતિ દ્વારા આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
જોકે, શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મંદિર વ્યવસ્થાપક સમિતિના નવા નિર્ણય અનુસાર, જે ભાવિકો પોતાના પરિવાર સાથે ધ્વજારોહણ, વિશેષ ભોગ-મનોરથ કે અન્ય ધાર્મિક ઉત્સવોની યાદગીરી રૂપે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરાવવા માંગતા હોય, તેમણે નિર્ધારિત ₹2,500 ફી ચૂકવવી પડશે. આ સુવિધાનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓએ અગાઉથી મંદિર તંત્રની સત્તાવાર મંજૂરી લેવી ફરજિયાત રહેશે. વધુમાં, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મંજૂરી મળ્યા બાદ પણ શ્રદ્ધાળુઓ પોતાના અંગત કેમેરા કે ફોટોગ્રાફર લાવી શકશે નહીં, પરંતુ માત્ર મંદિર સમિતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકૃત ફોટોગ્રાફર પાસે જ ફોટોગ્રાફી કરાવી શકાશે.
