તેલંગાણાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તેલંગાણામાં આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ મેગા રેલીને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે તેલંગાણામાં ભાજપની મજબૂત થતી રાજકીય સંભાવનાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રેલીમાં કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા નીતિન નવીને દાવો કર્યો હતો કે, “મને પૂરો ભરોસો છે કે તેલંગાણામાંથી કોંગ્રેસના જવાનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે.” આ ઉપરાંત, આગામી લોકસભા ચૂંટણીઓનો ઉલ્લેખ કરીને વિપક્ષના દાવાઓ પર વળતો પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2029માં પણ ફરી એકવાર લાલ કિલ્લા પર તિરંગો લહેરાવતા નજર આવશે. રાહુલ ગાંધીને સીધો પડકાર ફેંકતા તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે, “PM મોદી ક્યાંય નહીં જાય, રાહુલજી તમે સપના જોતા રહો.” તેમના આ નિવેદનથી સભામાં ઉપસ્થિત કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
