ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાજપના ચાલુ રાજ્યસભા સાંસદ રામરાવ વાડકુતેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, તેમને અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રામરાવ વાડકુતેના આકસ્મિક નિધનથી પક્ષના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ લગભગ આઠ મહિના પહેલાં જ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા, પરંતુ ટૂંકા ગાળામાં જ તેમની વિદાયથી પક્ષને મોટી ખોટ પડી છે.
તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો, રામરાવ વાડકુતે અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં સક્રિય રીતે કાર્યરત હતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2019માં તેમણે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. મહારાષ્ટ્રના રાજકારણમાં એક અનુભવી અને જમીની નેતા તરીકે જાણીતા રામરાવ વાડકુતેના નિધન પર વિવિધ રાજકીય આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
