ઉત્તર પ્રદેશમાં આજે સાંજે 6:00 વાગ્યે રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં એકસાથે સાયરનનો અવાજ ગુંજી ઉઠશે. જોકે, આ અવાજ સાંભળીને નાગરિકોએ જરાય ગભરાવાની કે ડરવાની જરૂર નથી, કારણ કે કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને તૈયાર કરવા અને તંત્રની સજ્જતા ચકાસવા માટે રાજ્યવ્યાપી મેગા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિ કે કટોકટીના સમયે જનતામાં જાગૃતિ લાવવાનો અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો છે.
આ રાજ્યવ્યાપી મોક ડ્રીલ દરમિયાન પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમો પણ સક્રિયપણે જોડાઈને પોતાની તૈયારીઓ અને બચાવ કામગીરીનું પ્રત્યક્ષ પરીક્ષણ કરશે. આ વિશાળ અભ્યાસમાં અંદાજે 1 લાખ જેટલા સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સ પણ સામેલ થશે, જેઓ રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ બનશે. વહીવટીતંત્ર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, આજે સાંજે સાયરન વાગે કે કવાયતના ભાગરૂપે અચાનક વીજળી ગુલ થઈ જાય એટલે કે બ્લેકઆઉટ થાય, તો કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને ગભરાયા વિના તંત્રને સહકાર આપવો.
