પ્રવાસન અને મનોરંજન નગરી ગોવા ખાતે આયોજિત 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં રેડ કાર્પેટ પર ગ્લેમર અને સિનેમાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થતાં જ સમગ્ર ગોવામાં સિનેમા પ્રેમીઓ અને કલાકારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ સહિત ભારતીય પ્રાદેશિક સિનેમા અને આંતરરાષ્ટ્રીય સ્તરના જાણીતા ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, કલાકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ રેડ કાર્પેટ પર હાજરી આપીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ વર્ષે આ મહોત્સવનું આયોજન ‘સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ’ (Stories Without Borders) થીમ સાથે કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદોથી પર જઈને માનવીય સંવેદનાઓ અને કલાને એક મંચ પર લાવવાનો છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વૈશ્વિક સિનેમાની વિવિધતા અને વિશ્વની અલગ-અલગ સંસ્કૃતિઓની કલાત્મક રજૂઆતને અત્યંત સુંદર રીતે ઉજાગર કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ મહોત્સવ અંતર્ગત દેશ-વિદેશની શ્રેષ્ઠ ફિલ્મોનું સ્ક્રીનિંગ, માસ્ટરક્લાસ અને સિનેમા જગતના દિગ્ગજો સાથે સંવાદના વિવિધ કાર્યક્રમો યોજાશે.
