જૂનાગઢ ખાતે યોજાનારી સુપ્રસિદ્ધ ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્રમાના સમયગાળા દરમિયાન એટલે કે તારીખ 18 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી સતત 9 દિવસ માટે ‘ગિરનાર નેચર સફારી’ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓ સફારી પાર્કમાં સિંહ દર્શનનો લાભ મેળવી શકશે નહીં.
દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરિક્રમામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ગિરનાર નેચર સફારીનો માર્ગ પરિક્રમાના મુખ્ય રૂટની અત્યંત નજીક આવેલો હોવાથી વન વિભાગે તકેદારીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. પરિક્રમાર્થીઓની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે અને જંગલ વિસ્તારમાં વસતા સિંહ સહિતના વન્યજીવોની શાંતિ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સફારી પાર્કને અસ્થાયી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ 27 નવેમ્બરથી સફારી પાર્ક રાબેતા મુજબ પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે.
