અમિતાભ બચ્ચનના ઘર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ: દિલ્હી પોલીસે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરના 2 શાર્પશૂટરોની કરી ધરપકડ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસે સમયસર કાર્યવાહી કરીને અમિતાભ બચ્ચનના નિવાસસ્થાને ગોળીબાર કરવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે અને આ મામલે બે કુખ્યાત શાર્પશૂટરોની ધરપકડ કરી છે.
કોણ છે પકડાયેલા બંને શાર્પશૂટર?
દિલ્હી પોલીસની તપાસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પંજાબના રહેવાસી તરીકે થઈ છે:
Bullet વિકાસ ઠાકુર (રહે. જલંધર, પંજાબ)
Bullet દીપક સિંહ (રહે. તરનતારણ, પંજાબ)
વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરના ઈશારે ઘડાયું હતું કાવતરું
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા બંને શાર્પશૂટરો વિદેશમાં બેઠેલા એક કુખ્યાત ગેંગસ્ટર માટે કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે, વર્ષ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો અંગે અમિતાભ બચ્ચનની કથિત ટિપ્પણીઓને કારણે તેમને નિશાન બનાવવાનું અને તેમના ઘર પર ફાયરિંગ કરવાનું આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.
હાલ દિલ્હી પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કાવતરામાં અન્ય કોણ-કોણ સામેલ છે અને તેમને હથિયારો કોણે પૂરા પાડ્યા હતા તેની વિગતો બહાર આવી શકે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.
