‘સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી નહોતી, લગાડવામાં આવી હતી’: સોનિયા ગાંધીના પુસ્તકના દાવા પર SIT ચીફ રાકેશ અસ્થાનાનો સણસણતો જવાબ
ગોધરા કાંડને ૨૪ વર્ષ વીતી ચૂક્યાં છે, તેમ છતાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ પર રાજકીય અને વૈચારિક ચર્ચાઓ આજે પણ યથાવત છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક ‘બિલૉન્જિંગ: એ જર્ની ઑફ લવ’ ના પેજ નંબર ૪૦૧ થી ૪૦૩ વચ્ચે ૨૦૦૨ના ગોધરા ટ્રેન અગ્નિકાંડનો ઉલ્લેખ કરીને આગ લાગવાના કારણને ‘વિવાદિત’ ગણાવ્યું છે. તેમના આ દાવા પર આ ઘટનાની તપાસ કરનાર ગુજરાત પોલીસની તત્કાલીન SIT ના વડા રાકેશ અસ્થાનાએ આકરી પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે આગનું કારણ ‘વિવાદિત’ ગણાવવું તદ્દન ખોટું છે—આગ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લગાડવામાં આવી હતી.
સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં શું લખ્યું છે?
સોનિયા ગાંધીએ પુસ્તકના પેજ નંબર ૪૦૩ પર લખ્યું છે કે, ૨૦૦૨નાં રમખાણો ત્યારે ભડક્યાં હતાં જ્યારે અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ લાગવાથી ૫૯ યાત્રાળુઓનાં મોત થયાં હતાં. તેમણે આગળ લખ્યું કે, “આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદિત છે, પરંતુ ત્યારબાદ સમગ્ર રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી.”
રાકેશ અસ્થાનાએ ફોરેન્સિક પુરાવા સાથે વર્ણવ્યું કેવી રીતે રચાયું હતું કાવતરું
ભૂતપૂર્વ IPS અધિકારી અને CBI ના ભૂતપૂર્વ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર કેસ ફોરેન્સિક પુરાવા, સ્વતંત્ર સાક્ષીઓ અને બળી ગયેલા કોચની વૈજ્ઞાનિક તપાસ પર આધારિત હતો, જેના આધારે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે. તેમણે સમગ્ર ઘટનાક્રમ આ મુજબ વર્ણવ્યો:
-
ચેન પુલિંગ કરીને ટ્રેન રોકવામાં આવી: સવારે ૮:૧૦ વાગ્યે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી આગળ વધી ત્યારે એકસાથે ૩-૪ બોગીમાં ચેન પુલિંગ કરાઈ. ટ્રેન ફરી શરૂ થતાં બે ડબ્બા વચ્ચેની વેક્યૂમ ચાવી ફેરવીને ટ્રેનને સિગ્નલ વિસ્તાર પાસે અટકાવી દેવાઈ.
-
અગાઉથી એકઠી થયેલી ભીડ અને પેટ્રોલ: સિગ્નલ પાસે S6 કોચની બરાબર સામે ૧૫૦-૨૦૦ લોકોની ભીડ પહેલેથી જ ઊભી હતી, જેમાં ૨૦-૨૫ યુવકો પેટ્રોલ લઈને તૈયાર હતા.
-
વેસ્ટિબ્યૂલ કાપી ૧૪૦ લિટર પેટ્રોલ રેડ્યું: S6 કોચનું કેનવસનું વેસ્ટિબ્યૂલ કાપીને કેટલાક શખ્સોએ ધક્કો મારી સ્લાઇડિંગ દરવાજો ખોલ્યો હતો. અંદર ઘૂસીને તેમણે ૧૪૦ લિટર પેટ્રોલ બોગીમાં રેડ્યું અને બહાર કૂદી ગયા. ત્યારબાદ પથ્થરમારાથી તૂટેલી બારીઓમાંથી અંદર મશાલો ફેંકવામાં આવી, જેનાથી ૫ જ મિનિટમાં આખી બોગી આગની લપેટમાં આવી ગઈ.
“અમન ગેસ્ટ હાઉસમાં બેઠક થઈ હતી, આ અકસ્માત નહોતો”
રાકેશ અસ્થાનાએ સોનિયા ગાંધીના દાવાઓને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, આ દુર્ઘટનામાં ૨૭ મહિલાઓ, ૧૦ બાળકો અને ૨૨ પુરુષો સહિત ૫૯ લોકોનાં મોત થયાં હતાં અને જે લોકો જીવ બચાવવા બહાર કૂદ્યા હતા તેમને પણ ટોળાએ મારી નાખ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “સવારે ટોળાનું એકઠું થવું, અમન ગેસ્ટ હાઉસ (માલિક રઝ્ઝાક કુરકુર) ખાતે બેઠક કરીને પેટ્રોલ ભેગું કરવું—આ બધું જ દર્શાવે છે કે આ કોઈ અકસ્માત નહીં, પરંતુ સુનિયોજિત કાવતરું હતું.”
