ઈન્સ્ટાગ્રામમાં AIથી ઉંમરની તપાસનું નવું ફીચર: ખોટી જન્મતારીખ નાખી હશે તો પણ 18 વર્ષથી ઓછી વયના યુઝર્સ ઓળખાઈ જશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કિશોરો અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મેટા (Meta) એ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ વિશ્વભરમાં ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઉંમર ઓળખવાની નવી ટેક્નોલોજીનો વિસ્તાર શરૂ કર્યો છે. આ નવા ફીચરની મદદથી કંપની એવા યુઝર્સની ઓળખ કરશે જેમની વય ૧૮ વર્ષથી ઓછી હોવાની શંકા હોય—ભલે તેમણે એકાઉન્ટ બનાવતી વખતે પોતાની જન્મતારીખ ૧૮ વર્ષથી વધુ દર્શાવી હોય!
ખોટી ઉંમર બતાવનાર યુઝર્સ ‘ટીન એકાઉન્ટ’માં શિફ્ટ થશે
મેટાની AI સિસ્ટમ એકાઉન્ટની પ્રવૃત્તિઓ અને અન્ય સંકેતોના આધારે એવા યુઝર્સને ઓળખી કાઢશે જેમની ઉંમર કિશોરો જેવી લાગે છે. જોકે, કંપનીએ ઉંમરનું અનુમાન લગાવવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકી પ્રક્રિયાની વિગતો જાહેર કરી નથી.
એકવાર યુઝર ૧૩ થી ૧૭ વર્ષની વયનો હોવાની ઓળખ થઈ જાય, ત્યારબાદ તેને આપોઆપ ‘ટીન એકાઉન્ટ’ (Teen Account) ના સુરક્ષા ઘેરામાં મૂકી દેવામાં આવશે, જેમાં નીચે મુજબના નિયંત્રણો રહેશે:
-
મેસેજિંગ પર નિયંત્રણ: અજાણ્યા યુઝર્સ તેમને સીધા મેસેજ કરી શકશે નહીં.
-
કન્ટેન્ટ ફિલ્ટર: કિશોરો કયા પ્રકારનું કન્ટેન્ટ જોઈ શકે છે તેના પર મર્યાદા રહેશે.
-
સ્ક્રીન ટાઈમ લિમિટ: એપ પર કેટલો સમય વિતાવે છે તે સીમિત કરવાના વિકલ્પો મળશે.
આ ઉપરાંત મેટા ટૂંક સમયમાં ફેસબુક (Facebook) પર પણ આ AI ટેક્નોલોજીનો વિસ્તાર કરવા જઈ રહી છે.
એપલ (Apple) સાથે પણ મેટાની મહત્ત્વપૂર્ણ ભાગીદારી
ઓસ્ટ્રેલિયામાં ઉંમરની સચોટ ઓળખ માટે મેટાએ એપલના ‘એજ-રેન્જ સિગ્નલ’ (Age-Range Signal) નો ઉપયોગ શરૂ કર્યો છે. આ સુવિધા હેઠળ માતા-પિતા બાળકોના એકાઉન્ટ પર સીધી નજર રાખી શકશે. જ્યારે બાળક કોઈ નવી એપ ડાઉનલોડ કરશે, ત્યારે એપલ તે એપના ડેવલપર સાથે યુઝરની ઉંમરની શ્રેણી શેર કરશે, જેથી બાળકને તેની વય મુજબની જ સુવિધાઓ મળે.
૧૩ વર્ષથી ઓછી વયના બાળકોની ઓળખ માટે ખાસ કામગીરી
મેટાએ વધુમાં જણાવ્યું છે કે, અમેરિકાના ૫૨ રાજ્યો, ક્ષેત્રો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના એટર્ની જનરલ સાથે થયેલી સમજૂતી હેઠળ કંપની ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ ઓળખવાની ટેક્નોલોજીને પણ વધુ મજબૂત બનાવવા પર કામ કરી રહી છે, જેથી નાના બાળકોને સોશિયલ મીડિયાના જોખમોથી દૂર રાખી શકાય.
