દરિયામાં મોટી દુર્ઘટના: અજાણી શિપે પોરબંદરની ‘શ્રી અંજલી’ ફિશિંગ બોટને મારી જોરદાર ટક્કર, ₹20 લાખનું નુકસાન
પોરબંદરના માછીમારો સાથે મધદરિયે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સોમનાથ-વેરાવળ સામેના દરિયામાં લંગર નાખીને ઉભેલી પોરબંદરની ‘શ્રી અંજલી’ નામની ફિશિંગ બોટને મોડી રાત્રે એક અજાણી વિશાળ શિપ (સ્ટીમર) દ્વારા ગફલતભરી રીતે હંકારીને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. આ ગંભીર અકસ્માતમાં બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
શું છે સમગ્ર ઘટના?
-
ખલાસી દરિયામાં ખાબક્યો: અજાણી શિપની ટક્કર એટલી જોરદાર હતી કે ફિશિંગ બોટમાં સવાર એક ખલાસી ફંગોળાઈને દરિયાના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. જોકે, અન્ય સાથી ખલાસીઓની સતર્કતાને કારણે તેનો બચાવ થયો હતો, પરંતુ તમામ ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
-
બોટને અંદાજે ₹૨૦ લાખનું નુકસાન: આ ટક્કરના કારણે ‘શ્રી અંજલી’ ફિશિંગ બોટની કેબિન અને ડાબી બાજુનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ બોટ માલિકને આશરે ₹૨૦ લાખનું મોટું આર્થિક નુકસાન થયું છે.
-
અકસ્માત સર્જી શિપ ચાલક ફરાર: ફિશિંગ બોટને ટક્કર માર્યા બાદ અજાણી મોટી શિપનો ચાલક માનવતા નેવે મૂકીને મદદ કરવાને બદલે પોતાની શિપ લઈને દરિયામાં નાસી છૂટ્યો હતો.
નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
આ સમગ્ર મામલે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં અજાણી શિપના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મરીન પોલીસે દરિયાઈ રડાર અને કોસ્ટ ગાર્ડની મદદથી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલી અજાણી શિપને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે.
