રહેણાંક સોસાયટીના ભોંયરામાં ધમધમતી હતી MD ડ્રગ્સની મીની ફેક્ટરી: સરખેજના લબ્બૈક પાર્ક-2માં NCBના દરોડા, કરોડોનો કાચો માલ જપ્ત; કોફી શોપ સુધી પહોંચી તપાસ
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના નેટવર્ક સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCBએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ માફિયાઓએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે હવે રહેણાંક સોસાયટીઓના ભોંયરાનો ઉપયોગ શરૂ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. NCBના નવા ઝોનલ ડાયરેક્ટરે ચાર્જ સંભાળતાની સાથે જ સરખેજ વિસ્તારમાં મોટું ઓપરેશન પાર પાડીને MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી ઝડપી પાડી છે.
કયાં અને કેવી રીતે ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી?
NCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં મોહમ્મદી પાર્ક નજીક આવેલી લબ્બૈક પાર્ક-૨ (Labbaik Park-2) સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સોસાયટીના મકાન નંબર L-2/13, કે જેના પર ‘એમ.એમ. પઠાણ’ નામનું બોર્ડ લાગેલું છે, તેના અંડરગ્રાઉન્ડ ભોંયરામાં ગુપ્ત રીતે MD ડ્રગ્સ બનાવવાની આખી લેબ અને ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી.
ભાડે મકાન રાખીને આચર્યું કૌભાંડ
આસપાસના રહીશો કે પોલીસને કોઈ શંકા કે ગંધ ન આવે તે હેતુથી આરોપીઓએ આ રહેણાંક મકાન ભાડે રાખ્યું હતું અને તેના ભોંયરામાં ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. NCBએ દરોડા દરમિયાન સ્થળ પરથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ (Raw Material) અને અન્ય સાધનસામગ્રી કબજે કરી છે.
મકાન માલિકની અટકાયત અને કોફી શોપમાં સર્ચ ઓપરેશન
આ સમગ્ર મામલે NCB દ્વારા મકાન માલિકની અટકાયત કરીને ભાડાકરાર અને અન્ય વિગતો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, તપાસનો રેલો મુખ્ય આરોપીના કોફી શોપ સુધી પણ પહોંચ્યો છે. NCBની ટીમો દ્વારા આ કોફી શોપ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોફી શોપની આડમાં યુવાધનને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું કે કેમ અને સપ્લાય ચેઇનના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે જાણી શકાય.
