પહાડોની ઠંડી હવા ખાવા નીકળેલા પ્રવાસીઓને હાઈવે પર છૂટી ગયો પરસેવો: પાવાગઢ, અંબાજી અને માઉન્ટ આબુ રોડ પર ભયંકર ચક્કાજામ
દિવાળી અને નવા વર્ષના વેકેશનની રજાઓ માણવા માટે ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રવાસન અને યાત્રાધામો તરફ ઉમટી પડ્યા છે. જોકે, એકસાથે લાખોની સંખ્યામાં લોકો બહાર નીકળી પડતાં રાજ્યના પ્રખ્યાત ધાર્મિક સ્થળો અને હિલ સ્ટેશનો પર જ્યાં જુઓ ત્યાં ‘ભીડ જ ભીડ’ જોવા મળી રહી છે. હાલત એવી થઈ છે કે પહાડોની ઠંડી હવા ખાવા નીકળેલા પ્રવાસીઓને હાઈવે પર ટ્રાફિકજામમાં ફસાઈને પરસેવો છૂટી ગયો છે.
યાત્રાધામો અને હાઈવે પર સર્જાયેલી પરિસ્થિતિ:
-
પાવાગઢ મહાકાળી મંદિરે માનવ મહેરામણ: નૂતન વર્ષ અને વેકેશનના દિવસોમાં માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. તળેટીથી લઈને મંદિર પરિસર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.
-
અંબાજી-માઉન્ટ આબુ રોડ પર ચક્કાજામ: ઉત્તર ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓની ભારે ભીડ અને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ જતા પ્રવાસીઓના ધસારાને કારણે અંબાજી-આબુ રોડ પર વાહનોના પૈડાં થંભી ગયા છે. હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.
સોશિયલ મીડિયામાં રમૂજી મીમ્સ અને વીડિયો વાયરલ
ટ્રાફિકજામ અને ભારે ભીડના દ્રશ્યો વચ્ચે સોશિયલ મીડિયા પર પણ રમૂજી માહોલ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ ટ્રાફિકમાં ફસાયેલા વીડિયો શેર કરીને “એલા બાવલયા હલવાયા” જેવા મજેદાર કેપ્શન સાથે પોતાના મિત્રોને ટેગ કરી રહ્યા છે.
તંત્ર દ્વારા પણ ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમ છતાં પ્રવાસીઓના ભારે ધસારાને કારણે જો તમે પણ આ રૂટ પર જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો પૂરતો સમય અને ધીરજ રાખીને નીકળવું હિતાવહ છે.
