ગાંધીનગર: દિવાળી પર્વને ધ્યાને રાખી નાગરિકો અને બજારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સેક્ટર-૬ ખાતે ભરાતા ફટાકડા બજારમાં ગાંધીનગર કલેક્ટર કચેરી તેમજ GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા સંયુક્ત રીતે ફાયર સેફ્ટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાલ્પનિક કોલ મળતાં જ તંત્ર એક્શન મોડમાં મોકડ્રિલ દરમિયાન ફટાકડા બજારમાં ભીષણ આગ લાગી હોવાનો કાલ્પનિક કોલ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને કંટ્રોલ રૂમ દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સૂચના મળતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ, સેક્ટર-૭ પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે મામલતદાર (ડિઝાસ્ટર) અને મામલતદાર (ગાંધીનગર) પણ તાકીદે સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમગ્ર કવાયત થકી કટોકટીના સમયે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન અને ઝડપી પ્રતિસાદ (રિસ્પોન્સ ટાઈમ) ચકાસવામાં આવ્યો હતો.
વેપારીઓને અપાઈ પ્રાયોગિક ફાયર સેફ્ટી તાલીમ મોકડ્રિલની સાથે ફટાકડાના વેપારીઓ અને સ્ટોલધારકો માટે વિશેષ ફાયર સેફ્ટી વર્કશોપનું આયોજન કરાયું હતું. શ્રી જૈનિલ સાહેબ દ્વારા વેપારીઓને આગના વિવિધ પ્રકારો, આગ લાગે ત્યારે લેવાના તાત્કાલિક સાવચેતીના પગલાં તેમજ અગ્નિશામક સાધનો (Fire Extinguishers)નો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા તાકીદ આગામી તહેવારો દરમિયાન ફટાકડા બજારમાં સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન કરવા તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. સાથોસાથ કોઈ પણ અનિચ્છનીય ઘટના કે કટોકટીના સંજોગોમાં તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. આ મોકડ્રિલમાં વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ફટાકડા બજારના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
