વડોદરા / સાયબર ક્રાઇમ બ્રેકિંગ:
વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકો પાસેથી ₹1.57 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરાવી ઠગાઈ આચરતી ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે.
વિશ્વાસ કેળવવા ₹5.24 લાખ પરત કર્યા, પછી આચર્યો મોટો ખેલ:
આરોપીઓએ ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં ₹1.57 કરોડના રોકાણ સામે ₹5.24 લાખ રિટર્ન તરીકે પરત આપ્યા હતા. ભોગ બનનારને નફો મળતો હોવાનો ભાસ ઊભો કરી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમ પડાવીને આરોપીઓ છેતરપિંડી આચરી રહ્યા હતા.
360થી વધુ સિમ કાર્ડ જપ્ત, વિદેશો સાથે જોડાયેલા તાર:
સાયબર ક્રાઇમ પોલીસે વડોદરા શહેરમાંથી કરણ ભાષાની, આર્યન પંચાલ, સુબોધ શર્મા અને સર્વેશ પાટીલ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી કોઈ ધોરણ 8 પાસ છે તો કોઈ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ ધરાવે છે. આરોપીઓ પાસેથી 400થી વધુ વિવિધ ટેલિકોમ કંપનીઓના સિમ કાર્ડ હોવાનું સામે આવ્યું હતું, જેમાંથી પોલીસે 360થી વધુ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ નંબરો પર દેશભરમાંથી 87થી વધુ ફરિયાદો પહેલેથી જ નોંધાઈ ચૂકી છે.
એક સિમ કાર્ડ પાછળ ₹1200નું કમિશન:
આરોપીઓ વડોદરાથી આ સિમ કાર્ડ એક્ટિવેટ કરીને અન્ય મુખ્ય સાગરીતોને ઓટીપી (OTP) આપતા હતા. આ ઓટીપીના માધ્યમથી વોટ્સએપ ગ્રૂપ બનાવીને લોકોને રોકાણની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવતી હતી. આરોપીઓને એક સિમ કાર્ડ એક્ટિવ કરી ઓટીપી આપવા બદલ ₹1200 કમિશન મળતું હતું. પ્રાથમિક તપાસમાં આ સિમ કાર્ડ્સ અને નેટવર્કનો વપરાશ હોંગકોંગ, ચાઇના અને અમેરિકા જેવા દેશોમાંથી પણ થતો હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે.
તપાસ અધિકારીનું નિવેદન:
આ મામલે સાયબર ક્રાઇમ એસીપી એમ. એમ. રાજપૂતે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ પાસેથી મહત્વના દસ્તાવેજો અને સિમ કાર્ડ મળી આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
