રાજકોટ / જેતપુર બ્રેકિંગ:
રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ યાદીમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષના પગલે હવે જેતપુર પંથકના ખેડૂતો મેદાને આવ્યા છે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા અનન્ય માર્ગ અપનાવ્યો છે.
પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત:
જેતપુરના ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક સાંસદને પોસ્ટકાર્ડ લખીને રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઓછા વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાક સુકાઈ ગયા છે અને બિયારણ, ખાતર તથા મજૂરીનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
દેવા માફી અને સહાયની માંગ:
ખેડૂતોએ માંગ કરી છે કે મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. આ ઉપરાંત, બંધ કરાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ફસલ વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે તેમજ નુકસાનને અનુરૂપ પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.