તહેવારો દરમિયાન એરલાઇન્સ દ્વારા ભાડામાં અચાનક વધારાને લઈને મુસાફરોમાં નારાજગી વચ્ચે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું છે કે સરકાર આખા વર્ષ માટે હવાઈ ભાડા પર કાયમી કેપ લગાવવાના પક્ષમાં નથી, કારણ કે એવિએશન માર્કેટ ડી-રેગ્યુલેટેડ છે અને તહેવારોમાં માંગ વધતા ભાવ વધવા સામાન્ય છે. સરકાર એરલાઇન્સ સાથે બેઠક કરીને ભાડું વ્યાજબી રાખવા સલાહ આપશે.
જોકે આ પહેલા ડિસેમ્બરમાં ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાની કટોકટી વખતે અન્ય કંપનીઓએ બે થી ચાર ગણું ભાડું વસૂલતા સરકારે તાત્કાલિક નિયંત્રણ લાદ્યું હતું – 500 કિમી સુધી 7,500 રૂપિયા, 500-1000 કિમી સુધી 12,000, 1000-1500 કિમી સુધી 15,000 અને 1500 કિમીથી વધુ માટે 18,000 રૂપિયા સુધીનું મહત્તમ ભાડું નક્કી કરાયું હતું.
તહેવારોમાં લૂંટ જેવા ભાડા પર અંકુશની માંગ યથાવત છે, પરંતુ સરકાર હાલ કાયમી કેપને બદલે એડવાઈઝરી મોડલ પર ચાલવા માંગે છે.
