અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVP) એરપોર્ટ પર સોનાની હેરાફેરી કરનારાઓ સામે કસ્ટમ્સ વિભાગે લાલ આંખ કરી છે. શારજાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટના એક ભારતીય મુસાફરને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સની ટીમે ગ્રીન ચેનલ પરથી દબોચી લીધો હતો. આ મુસાફર પાસેથી આશરે ₹૬૦ લાખની કિંમતનું ૬૦૦ ગ્રામ સોનું મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે ગ્રીન ચેનલ પર આંતર્યો
એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓને એક ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે, શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ (G9-418) દ્વારા અમદાવાદ આવી રહેલો એક મુસાફર મોટા પાયે સોનાની દાણચોરી કરી રહ્યો છે. આ બાતમી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સની ટીમે વોચ ગોઠવી હતી. જેવો આ મુસાફર એરપોર્ટ પર ઉતરીને ગ્રીન ચેનલ મારફતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ અધિકારીઓએ તેને અટકાવી લીધો હતો.
ટ્રોલી બેગમાં છુપાવી રાખ્યા હતા ૧૪ અને ૧૮ કેરેટના હૂક
જ્યારે કસ્ટમ્સની ટીમે શંકાસ્પદ મુસાફરના સામાનની સઘન તપાસ કરી, ત્યારે તેની પાસે રહેલી બે ટ્રોલી બેગમાંથી ૧૪ કેરેટ અને ૧૮ કેરેટના સોનાની ચેઇન તથા ખાસ કીમિયો કરીને છુપાવેલા સોનાના હૂક મળી આવ્યા હતા. અધિકારીઓએ આ સોના અંગે કાયદેસરના દસ્તાવેજો કે વિગતો માગી હતી, પરંતુ મુસાફર કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યો ન હતો.
કુલ ૬૦૦ ગ્રામ સોનું જપ્ત, પૂછપરછ શરૂ
કસ્ટમ્સ વિભાગે ગેરકાયદેસર રીતે લવાયેલું ૬૦૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની વર્તમાન બજાર કિંમત ₹૬૦ લાખ થાય છે. પોલીસે કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી લીધી છે. આ મુસાફર અગાઉ કેટલી વાર સોનાની હેરાફેરી કરી ચૂક્યો છે અને આ સોનું અમદાવાદમાં કોને ડિલિવરી આપવાનું હતું, તે દિશામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.